છોટાઉદેપુર,
બોડેલી તાલુકાના પાણેજ ગામમાં લાલુ તડવી નામના ભૂવાએ ક્રૂરતાની હદ વટાવી છે. આ ભૂવાએ તાંત્રિક વિધિના નામે ગામની એક 5 વર્ષની બાળકીની બલિ ચઢાવી હોવાની ઘટના સામે આવી છે. આ ભૂવો પહેલાં 5 વર્ષની બાળકી પાસે ગયો અને તેને પોતાની ઝૂંપડીમાં બનાવેલાં મંદિરે લઈને આવ્યો. બાદમાં મંદિર પાસે બાળકીને તાંત્રિક વિધિના નામે કુહાડીથી તેનું ગળું કાપી નાંખી તેની હત્યા કરી દીધી હતી. બાળકી પછી તેના નાના ભાઇની પણ બલી ચઢાવવાની તૈયારી હતી. ગ્રામજનો જોઇ જતા બાળકીનો નાનો ભાઇ બચી ગયો છે. તેમજ બાળકને બચાવી ગ્રામજનોએ પોલીસને જાણ કરી છે. મામલતદાર અને પોલીસની ટીમ સ્થળ પર પહોંચી હતી. જેમાં પોલીસે આરોપી લાલુ તડવીની ધરપકડ કરી છે. છોટાઉદેપુર જિલ્લાના અનેક ગામોમાં અંધશ્રદ્ધાને કારણે નિર્દોષ લોકોનો જીવ લેવામાં આવ્યો છે.
આ ઘટનામાં હાલ પોલીસે આ લાલુ તડવી નામના ભૂવાની ધરપકડ કરી છે. ભૂવા સામે હાલ હત્યાનો ગુનો દાખલ કરી સમગ્ર મુદ્દે તપાસ હાથ ધરી છે. પોલીસ દ્વારા હાલ બાળકીના મૃતદેહને પોસ્ટ મોર્ટમ ખાતે મોકલવામાં આવ્યો છે. જોકે, ગ્રામજનો આ ઘટના બાદ ભય અને રોષમાં છે. લોકો પોતાના બાળકોને લઈને ચિંતા વ્યક્ત કરી રહ્યાં છે.
નોંધનીય છે કે, કથિત રીતે સુરક્ષિત ગણાતા ગુજરાત રાજ્યમાં આવી ઘટના સામે આવતાં પ્રશ્ન ઊભો થઈ રહ્યો છે કે, 21 મી સદીમાં જ્યાં AI અને ડિજિટલ યુગની વાતો કરવામાં આવે છે, ત્યારે તાંત્રિક વિધિના નામે નાના ભૂલકાંઓની બલિ ચઢાવવામાં આવે છે. ત્યારે ગુજરાતની સુરક્ષાને લઈને એક મોટો પ્રશ્ન ઊભો થઈ રહ્યો છે.