ચીને અન્ય દેશોને અમેરિકા સાથે વેપાર ન કરવા આપી ચીમકી 

સોશિયલ મીડિયા પર શેર કરો

બિજીંગ,

અમેરિકા અને ચીન વચ્ચે ચાલી રહેલ ટ્રેડવૉર હવે વધુ ભયાનક સ્તરે પહોંચી ગયું હોય તેમ લાગી રહ્યું છે કારણ કે, બંને દેશ અન્ય દેશો પર દબાણ સર્જી રહ્યા છે. ટ્રમ્પની ઓફર બાદ ચીને અન્ય દેશોને અમેરિકા સાથે વેપાર ન કરવાની ચીમકી આપી છે. ચીનના આ વલણથી બંને દેશો વચ્ચે ટેરિફવૉર મંત્રણા થશે કે કેમ તેની અનિશ્ચિતતાઓ વધી છે. 

ચીનના વાણિજ્ય મંત્રાલયના પ્રવક્તાએ અન્ય દેશોને ચીમકી આપી છે કે, કોઈપણ દેશ જો ચીનના હિતોની વિરોધમાં અમેરિકા સાથે વેપાર કરાર કરે છે, તો તેની વિરુદ્ધ આકરું વલણ અપનાવવામાં આવશે. બંને પક્ષ માટે આ નિર્ણય નુકસાનકારક રહેશે. 

એક તરફ અમેરિકાની ટ્રમ્પ સરકાર ચીન સાથે વેપાર સંબંધો તોડી નાખવા માટે અન્ય દેશો પર પ્રેશર સર્જી રહી છે. અમેરિકાએ ઓફર મૂકી છે કે, જે દેશ ટેરિફમાં છૂટ ઇચ્છે છે, તેઓ ચીન સાથે વેપાર મર્યાદિત કરે. બીજી તરફ ચીન ડર્યા વિના અમેરિકાની વિરુદ્ધમાં વેપાર રણનીતિ બનાવી રહ્યું છે.

તો, બીજી તરફ ચીનના વિદેશ મંત્રાલયના પ્રવક્તાએ અમેરિકા પર આક્ષેપો કર્યા છે કે, તૃષ્ટીકરણથી શાંતિ આવતી નથી અને સમાધાનને સન્માન મળતું નથી. અમેરિકા અન્ય દેશોને કહેવાતી રાહતના બદલામાં તેમના ભોગે કામચલાઉ ધોરણે પોતાનો સ્વાર્થ સંતોષી રહ્યું છે. તેની આ કૂટનીતિથી કોઈને લાભ થશે નહીં. ઉલટું બંનેને નુકસાન થશે.

ઉલ્લેખનીય છે કે અમેરિકાએ 9 એપ્રિલના રોજ મોટાભાગના દેશોને રેસિપ્રોકલ ટેરિફમાં 90 દિવસની રાહત આપી હતી. જો કે, ચીનને તેમાંથી બાકાત કરતાં તેના પર 145 ટકા ટેરિફ લાદ્યો હતો. બાદમાં ફરી ટેરિફ વધારી 245 ટકા કર્યો હતો. સામે ચીને પણ અમેરિકા પર ટેરિફ વધારી 125 ટકા કર્યો હતો. વિશ્વની ટોચની મહાસત્તા ધરાવતા બંને દેશોની આ નીતિથી વૈશ્વિક વેપાર સંકટમાં આવ્યો છે અને મંદીની આશંકા વધી છે.

પરંતુ અમેરિકી પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ સતત તેવું પણ કહી રહ્યા છે કે, અમેરિકા અને ચીન વચ્ચે વાતચીત ચાલી રહી છે. અમેરિકા ચીન સાથે ખૂબ જ સારો સોદો કરવા જઈ રહ્યું હોવાનો દાવો કર્યો છે. પરંતુ ચીન તરફથી હજુ સુધી આ વાતચીતની કોઈ ખાતરી થઈ નથી. તેનાથી વિપરીત, બેઇજિંગે અમેરિકાની નીતિઓને ‘એકપક્ષીય અને સંરક્ષણવાદી’ ગણાવી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *