ગુજરાત ચૂંટણી પંચે રાજ્યની 8,326 ગ્રામ પંચાયતોની ચૂંટણીમાટે સમયપત્રક જાહેર કર્યું

સોશિયલ મીડિયા પર શેર કરો

ગાંધીનગર,

ગુજરાત ચૂંટણી પંચના કમિશનર દ્વારા રાજ્યમાં 2.5 વર્ષથી ખોરંભે મુકાયેલી ગ્રામ પંચાયતની ચૂંટણીઓની જાહેરાત કરવામાં આવી છે. રાજ્યના ચૂંટણી કમિશનર ડો એસ મુરલીકૃષ્ણ ચૂંટણીની જાહેરાત કરતા માહિતી આપી કે આ ચૂંટણી કાર્યક્રમમાં ચૂંટણીનું જાહેરનામું 2જી જૂન 2025ના બહાર પાડવામાં આવશે. જ્યારે ઉમેદવારી પત્ર ભરવાની છેલ્લી તારીખ 9 જૂન 2025 રહેશે. 22 જૂન 2025ના રોજ મતદાન યોજાશે અને મત ગણતરી 25 જૂન 2025ના રોજ થશે.

મતદાર યાદીની આખરી પ્રસિદ્ધિ 27 મી મે 2025 ના રોજ કરવામાં આવી હતી અને આજે ચૂંટણી જાહેરાત કરવામાં આવી છે. આજથી આચારસંહિતા અમલમાં આવશે. કુલ 8326 પંચાયતોમાંથી 4688 પંચાયતોમાં (સામાન્ય/વિભાજન/મધ્યસત્ર ચૂંટણી) જ્યારે 3638 પંચાયતોમાં પેટા ચૂંટણી યોજાશે. 

રાજ્ય ચૂંટણી કમિશ્નર એસ. મુરલીક્રિષ્ણાએ પ્રેસ કોન્ફરન્સ કરીને માહિતી આપતા કહ્યું હતું કે, આજે ગ્રામ પંચાયતની ચૂંટણી જાહેર કરવામાં આવી છે. 22 જૂને રાજ્યની 8326 ગ્રામ પંચાયતોમાં મતદાન યોજાશે. જ્યારે 25 જૂને પરિણામ જાહેર કરાશે. સોમવારે બીજી જૂને જાહેરનામું પ્રસિદ્ધ થશે. 3638 ગ્રામ પંચાયતોમાં પેટા ચૂંટણી યોજાશે. 9 જૂન ઉમેદવારી પત્ર ભરવાની છેલ્લી તારીખ છે. 10 જૂને ઉમેદવારી પત્રની ચકાસણી હાથ ધરાશે. 11 જૂન ઉમેદવારી પત્ર પરત ખેંચવાની અંતિમ તારીખ છે. ગ્રામ પંચાયતોની ચૂંટણી જાહેર થતાં જ આચાર સંહિત લાગુ થશે. 

1.30 કરોડ મતદારો મતાધિકારનો ઉપયોગ કરશે

બીજી જૂને ગ્રામ પંચાયતની ચૂંટણીનું જાહેરનામું પ્રસિદ્ધ થશે.4688 ગ્રામ પંચાયતોમાં સામાન્ય અને મધ્યસત્ર ચૂંટણી યોજાશે. 22 જૂને સવારે સાત વાગ્યાથી સાંજે 6 વાગ્યા સુધી મતદાન યોજાશે. 1.30 કરોડ મતદારો મતાધિકારનો ઉપયોગ કરશે. 16500 મતદાન મથકો પર મતદાન યોજાશે. બેલેટ પેપરથી ગ્રામ પંચાયતની ચૂંટણી યોજાશે. 5115 સરપંચોની બેઠક પર મતદાન થશે. 28300 જેટલી મતપેટીઓનો ઉપયોગ થશે. 

44850 વોર્ડમાં ગ્રામ પંચાયતની ચૂંટણી યોજાશે

રાજ્ય ચૂંટણી કમિશ્નર એસ. મુરલીક્રિષ્ણાએ વધુમાં કહ્યું હતું કે, મતદાર યાદીની આખરી પ્રસિદ્ધિ ગઈકાલે થઈ ચૂકી છે.ગ્રામ પંચાયતની ચૂંટણી છે ત્યાં આચાર સંહિતા અમલમાં આવશે. ગ્રામ પંચાયતની ચૂંટણીમાં ટોયલેટ માટે એફિડેવિટની જરૂર નથી પણ સેલ્ફ ડેક્લરેશન આપવાનું રહેશે. 44850 વોર્ડમાં ગ્રામ પંચાયતની ચૂંટણી યોજાશે. તેમણે કહ્યું હતું કે, ચૂંટણીમાં મોડુ થયું છે. ઝવેરી કમિશનની અમલવારી પ્રમાણે સ્થાનિક સ્વરાજની ચૂંટણી કરી છે. હવે ગ્રામ પંચાયતની ચૂંટણી માટે અમલવારી કરવામાં આવી છે.

આ ચૂંટણીમાં 12 વોર્ડ સુધી ખર્ચ મર્યાદા 15 હજાર

તેમણે ઉમેર્યું હતું કે, ચોમાસાની સિઝનમાં અગાઉ પણ ચૂંટણી યોજાઈ છે. વિધાનસભાની પેટા ચૂંટણી સાથે ગ્રામ પંચાયતની ચૂંટણી યોજાશે. કડી વિધાનસભા મત વિસ્તારમાં 103 ગ્રામ પંચાયતોમાં ચૂંટણી થશે.જ્યારે વિસાવદર વિધાનસભા મત વિસ્તારમાં 75 ગ્રામ પંચાયતની ચૂંટણી થશે.30 જૂન સુધીની બાકી રહેતી તમામ ગ્રામ પંચાયતોની ચૂંટણી યોજાશે. આ ચૂંટણીમાં 12 વોર્ડ સુધી ખર્ચ મર્યાદા 15 હજાર રખાઈ છે.જ્યારે 13 થી 22 વોર્ડ સુધી ખર્ચ મર્યાદા રૂપિયા 30 હજાર રખાઈ છે.22 વોર્ડથી ઉપર ખર્ચ મર્યાદા 45 હજાર રૂપિયા રહશે. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *