ગુજરાતના દરિયાકાંઠાના વિસ્તારોમાં આગામી 48 કલાક માટે ગરમીનું યલો એલર્ટ

સોશિયલ મીડિયા પર શેર કરો

અમદાવાદ,

રાજ્યના મહત્તમ તાપમાનમાં 2 થી 3 ડિગ્રીનો વધારો થયો છે. એવામાં હવામાન વિભાગ દ્વારા ગુજરાત, કોંકણ, ગોવા, કેરળ અને કર્ણાટકના દરિયાકાંઠાના વિસ્તારોમાં ગરમીનું એલર્ટ આપવામાં આવ્યું છે. આ તમામ દરિયાકાંઠે હિટ વેવ આવવાની પણ આશંકા છે.  બીજીતરફ દરિયાકાંઠાના વિસ્તારમાં ભેજને કારણે બફારાનું પ્રમાણ પણ વધ્યું છે, જેને કારણે  હવામાન વિભાગે આગામી 48 કલાક માટે રાજ્યના સમગ્ર દરિયાકાંઠાના વિસ્તારમાં યલો એલર્ટ જાહેર કર્યું છે. દરિયાની સપાટીથી 50 કિલોમીટર જમીન તરફના વિસ્તારમાં સાવચેતીના ભાગરૂપે યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે.

હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, હાલમાં ગુજરાત પર ઉત્તર-પૂર્વ અને પૂર્વ દિશા તરફથી પવન આવી રહ્યા છે. જમીનની સપાટી પરથી આવતા આ પવનો સામાન્ય રીતે ગરમ હોય છે, જેના કારણે રાજ્યમાં બફારાનું પ્રમાણ ઉત્તરોતર વધી રહ્યું છે અને આગામી બે દિવસમાં તાપમાનનો પારો 38 ડિગ્રીએ પહોંચી શકે એવું અનુમાન લગાવ્યું છે. આગામી 24 કલાક તાપમાન યથાવત્ રહેશે.

ત્યાર બાદ બેથી ત્રણ ડિગ્રી સેલ્સિયસ તાપમાન વધવાની સંભાવના છે. બીજી તરફ, રાજ્યભરના લઘુતમ તાપમાનમાં બે ડિગ્રી સેલ્સિયસ સુધીનો વધારો નોંધાયો છે તથા મહત્તમ તાપમાન યથાવત્ નોંધાયું છે. આગામી એક સપ્તાહ દરમિયાન રાજ્યભરનું વાતાવરણ શુષ્ક રહેવાની સાથે તાપમાનમાં ક્રમશઃ વધારો થવાની પણ શક્યતા છે.

જો કે, ગુજરાતના અન્ય વિસ્તારોમાં પણ ગરમીનું પ્રમાણ વધુ રહ્યું છે. અમદાવાદમાં 34.9 વડોદરામાં 35 ડાંગમાં 38 રાજકોટમાં 36.9 ડિગ્રી મહત્તમ તાપમાન નોંધાયું છે. આ સિવાય દમણ અને સુરતમાં મહત્તમ તાપમાન 37 ડિગ્રી નોંધાયું હતું, તેમજ ડીસામાં 33.2, નલિયામાં 35.6 ડિગ્રી નોંધાયું હતું. સૌરાષ્ટ્રની વાત કરીએ તો અમરેલી 36.2 ડિગ્રી, ભાવનગર 35.4 ડિગ્રી, પોરબંદર 36.5 ડિગ્રી અને મહુવામાં 36.4 ડિગ્રી તાપમાન નોંધાયું હતું.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *