ગાંધીનગર,
ચોમાસા પહેલા સતર્કતાના ભાગરૂપે, ગાંધીનગર જિલ્લાના દરેક તાલુકામાં સમયસર પ્રિમોન્સૂન કામગીરી પૂર્ણ થાય તે માટે, તા.12 મેના રોજ કલેક્ટર કચેરી ગાંધીનગર સમિતિ ખંડ ખાતે પ્રી મોન્સુન એક્ટિવિટી કામગીરીની સમીક્ષા બેઠક, કલેકટર શ્રી ગાંધીનગર મેહુલ કે. દવેની અધ્યક્ષતામાં યોજવામાં આવી હતી.
આ બેઠક અંતર્ગત વોટર લોગીંગની કામગીરી પર ખાસ ભાર મુકતા કલેક્ટરશ્રીએ જણાવ્યું હતું કે, નીચાણવાળા વિસ્તારોમાં જ્યાં જ્યાં પાણીનો ભરાવો થતો હોય, ત્યાં વિશેષ ધ્યાન આપતા આ સમસ્યા આ વર્ષે ફરી ન સર્જાય તે પ્રમાણે કામગીરી કરવા અનુરોધ કર્યો હતો. સાથે જ કલેકટરશ્રીએ ઉમેર્યું હતું કે, જિલ્લાના કોઈ પણ નાગરિકોને ચોમાસામાં તકલીફો નો સામનો ન કરવો પડે તે આપણી સહિયારી જવાબદારી છે. હાલમાં કમોસમી વરસાદના પરિણામે જે જે વિસ્તારમાં વોટર લોગીંગ ની સમસ્યા નોંધાઈ હોય તેના પર ખાસ કામગીરી કરવા પણ આ બેઠકમાં જણાવાયું હતું.
આ ઉપરાંત પ્રિમોન્સૂન બેઠક અંતર્ગત ચોમાસામાં ઉદ્ભવતા અન્ય પ્રશ્ન જેવા કે, વીજ પડવાથી પશુ મૃત્યુ, માનવ મૃત્યુ, કાચા ઝુંપડા કે ઘર તૂટી પડવાના બનાવો વગેરેની વિગતો સમયસર સર્વે રિપોર્ટમાં તંત્ર સુધી પહોંચાડવામાં આવે તો જરૂરત મંદો સુધી સમયસર સહાય પહોંચાડી શકાય તે માટે નીચલા સ્તરેથી ઝડપી અને ચોકસાઈ પૂર્ણ કામગીરી કરવા પણ કલેક્ટરશ્રી અનુરોધ કર્યો હતો.
તદુપરાંત ચોમાસામાં વિવિધ પ્રશ્નો ઉદભવે છે, જેને પહોંચી વળવા કંટ્રોલરૂમની પણ શરૂઆત કરવામાં આવી છે. જેમાં જિલ્લા કક્ષાના કંટ્રોલરૂમ નો નંબર – 56720 કાર્યરત છે. ગાંધીનગર તાલુકા માટે 59074 જ્યારે દહેગામના કંટ્રોલ રૂમ ખાતે +91 2716232002 તથા કોડલેસ નંબર 9624641948, કલોલ કંટ્રોલ રૂમ ખાતે 002764 220414 પર તથા માણસા ખાતે 002763 270662 પર ચોમાસામાં કોઈપણ સ્થિતિની જાણ કરવા અથવા મદદ માટે સંપર્ક કરી શકાશે.આ ઉપરાંત 1077 હેલ્પ લાઈનનો પણ ઉપયોગ કરી શકાશે.
આ બેઠકમાં પાણીજન્ય કોલેરા વગેરે જેવા રોગો આ ચોમાસા દરમિયાન નહિવત થાય તે માટે પણ કલેકટરશ્રી દ્વારા પાણી ક્લોરીનેશન , સાફ સફાઈ વગેરેની કામગીરી યોગ્ય રીતે થઈ શકે તે માટે પણ આરોગ્ય વિભાગના સંકલન થકી કાર્ય કરવા ચર્ચા કરવામાં આવી હતી.

સાથે જ આ મિટિંગમાં ઉપસ્થિત જિલ્લા વિકાસ અધિકારી શ્રી બી. જે પટેલ દ્વારા પણ જણાવ્યું હતું કે, ચોમાસા દરમિયાન જ્યારે કોઈપણ ઘટના બને તો તેનો પ્રાથમિક રિપોર્ટ ઝડપી મળી રહે તે રીતે ની વ્યવસ્થા જરૂરી છે, જેથી આગળની કાર્યવાહી સરળ બની રહે.
અધિક નિવાસી કલેક્ટરશ્રી ઈ/ચા અર્જુનસિંહ વણઝારા દ્વારા પણ આ તબક્કે કંટ્રોલ રૂમની વિગતો, ડિઝાસ્ટર મેનેજમેન્ટ પ્લાન વગેરેની વિસ્તૃત ચર્ચા કરતા, ફોરેસ્ટ, યુ.જી.વી.સી.એલ, ટોરેન્ટ વગેરેના રોજિંદા રિપોર્ટ સમય મર્યાદામાં DEOCમાં મોકલી આપવા જણાવાયું હતું.