ગાંધીનગર,
ગાંધીનગર જિલ્લો આર્થિક રીતે સશક્ત અને ઉદ્યોગપ્રધાન બને તે મધ્યવર્તી વિચાર સાથે, એક્સપોર્ટમાં સતત વૃદ્ધિ લાવવા વિવિધ શક્યતાઓની ચર્ચા દ્વારા જિલ્લાના વિકાસને વેગવંતો બનાવવા કલેક્ટરશ્રી મેહુલ કે. દવે દ્વારા જરુરી સુચન કરાયા
હંમેશા ગાંધીનગર જિલ્લાને દરેક ક્ષેત્રમાં અવ્વલ બનાવવા ની નેમ સાથે જિલ્લા કલેકટર શ્રી મેહુલ કે. દવે દ્વારાઅનેકવિધ પ્રયત્નો થતા રહ્યા છે. જેમ કે, પ્રાકૃતિક કૃષિ હોય ,શિક્ષણ હોય કે પછી આરોગ્ય હોય , સુરક્ષા હોય કે પછી જિલ્લાની સમૃદ્ધિ વધારવાનો પ્રશ્ન, હર હંમેશ નવીન વિચારધારા, જનહિત અને જિલ્લાના વિકાસને મધ્યમાં રાખી કલેક્ટરશ્રી દ્વારા ઘણી નવતર પહેલ કરવામાં આવી છે. જે અંતર્ગત ગાંધીનગર જીલ્લો સમૃદ્ધ એટલે કે આર્થિક રીતે સશક્ત બને અને આ બાબતે અગ્રેસર રહે તે મધ્યવર્તી વિચાર સાથે કલેકટર શ્રીની અધ્યક્ષતામાં તા.16 એપ્રિલ ના રોજ એક્સપોર્ટ પ્રમોશન કમિટીની બેઠક યોજાઇ હતી.
આ બેઠક દરમિયાન ગાંધીનગર જિલ્લામાંથી કરવામાં આવતા એક્સપોર્ટ વિષે ચર્ચા કરવામાં આવી. જિલ્લાના વિવિધ ઉદ્યોગ એકમો દ્વારા મુખ્યત્વે ઇલેક્ટ્રિકલ અને ઈલેક્ટ્રોનિક્સ, પ્લાસ્ટિક, ટેકસટાઇલ, ફૂડ પ્રોસેસિંગ અને એન્જિનિયરિંગ ઉત્પાદનોનું નિર્માણ કરવામાં આવી રહ્યું છે, અને આ ઉત્પાદનોનું વિવિધ દેશોમાં સફળતાપૂર્વક નિકાસ કરવામાં આવે છે. સાથે સાથે સેવાઓના ક્ષેત્રમાં પણ જિલ્લામાંથી આઈટી અને ફાઇનાન્સિયલ તેમજ અન્ય વ્યાવસાયિક સેવાઓનું નિકાસ મહત્ત્વપૂર્ણ છે.
આમ, ગાંધીનગર જિલ્લો આર્થિક રીતે સશક્ત અને ઉદ્યોગપ્રધાન બને તે દિશામાં એક્સપોર્ટમાં સતત વૃદ્ધિ લાવવા માટે વિવિધ શક્યતાઓની ચર્ચા કરવામાં આવી. ભવિષ્યમાં એક્સપોર્ટ પોર્ટફોલિયોને વધુ વિસ્તૃત બનાવી શકાય તથા નવી બજારો શોધી શકાય તે માટે નીતિગત અને વ્યવસાયિક સપોર્ટ જરૂરી છે તે બાબત પર ભાર મૂકવામાં આવ્યો.
કલેક્ટરશ્રી મેહુલ દવે દ્વારા ગાંધીનગર જિલ્લાના વિકાસની ગતિને વેગવંતી બનાવવા તથા જિલ્લાને આર્થિક રીતે સશક્ત બનાવવાના ભાગરૂપે, જિલ્લામાં એક્સપોર્ટ અંગે અવેરનેસ વર્કશોપનું આયોજન કરવાની સૂચના આપવામાં આવી છે, તેમજ ઉદ્યોગકારોને એક્સપોર્ટની પ્રક્રિયામાં આવતી તકલીફોને દૂર કરવા માટે સંબંધિત વિભાગના અધિકારીઓને યોગ્ય કાર્યવાહી કરવા પણ જણાવાયું હતું.
ઉલ્લેખનિય છે કે,આ બેઠકમાં જિલ્લાના અગ્રગણ્ય ઔદ્યોગિક એસોસિયેશનના પ્રતિનિધિશ્રીઓ, રાજ્ય સરકારના વિવિધ વિભાગોના અધિકારીશ્રીઓ, વિવિધ એક્સપોર્ટ પ્રોમોશન કાઉન્સિલના પ્રતિનિધિઓ તથા ડાયરેક્ટર જનરલ ઓફ ફોરેન ટ્રેડ, અમદાવાદના અધિકારીશ્રીઓ ઉપસ્થિત રહ્યા હતા.