વેટિકન સિટી,
રોમન કેથોલિક ચર્ચના વડા પોપ ફ્રાન્સિસ નું 88 વર્ષની વયે તેમના નિવાસસ્થાન, કાસા સાન્ટા માર્ટા ખાતે નિધન થયું. વેટિકન દ્વારા જારી કરાયેલા સત્તાવાર નિવેદનમાં આ દુઃખદ સમાચારની પુષ્ટિ કરવામાં આવી હતી. તેમના નિધનથી કેથલિક સમુદાય શોકની લહેર છવાઈ ગઈ છે. થોડા દિવસો અગાઉ તેમને ફેફસાની બિમારીને કારણે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. પોપ ફ્રાન્સિસ ન્યુમોનિયાથી પીડિત હતા.
પોપ ફ્રાન્સિસ પોપના પદ પર પહોંચનારા પ્રથમ લેટિન અમેરિકન પાદરી હતા. તેમને 2013માં પોપ તરીકે પવિત્ર કરવામાં આવ્યા હતા. પોપ ફ્રાન્સિસે પોપ તરીકેના તેમના 12 વર્ષના કાર્યકાળ દરમિયાન ઘણી મહત્વપૂર્ણ બાબતો સિદ્ધ કરી હતી.
પોપ ફ્રાન્સિસ જેસુઈટ ઓર્ડરના પ્રથમ પોપ હતા. તે 8મી સદી પછી યુરોપની બહારના પ્રથમ પોપ હતા. આર્જેન્ટિનાના બ્યુનોસ એરેસમાં જોર્જ મારિયો બર્ગોગ્લિયો તરીકે જન્મેલા પોપ ફ્રાન્સિસને 1969માં કેથોલિક પાદરી તરીકે નિયુક્ત કરવામાં આવ્યા હતા. 28મી ફેબ્રુઆરી 2013ના રોજ પોપ બેનેડિક્ટ XVIના રાજીનામા બાદ એક પોપ કોન્ક્લેવે કાર્ડિનલ બર્ગોગ્લિઓને તેમના અનુગામી તરીકે ચૂંટાયા હતા. તેમણે 13મી માર્ચે સેન્ટ ફ્રાન્સિપાલના સન્માનમાં તેમના નામની પસંદગી કરી હતી.
મહત્વનું છે કે, પોપ ફ્રાન્સિસે તેમના જીવનના અંતિમ દિવસોમાં પણ લોકો સાથે જોડાયેલા રહેવાનું ચાલુ રાખ્યું. ઈસ્ટર રવિવારના દિવસે તેઓ સેન્ટ પીટર્સ સ્ક્વેરમાં હજારો લોકોને આશીર્વાદ આપવા માટે જાહેરમાં દેખાયા હતા. આ પ્રસંગે લોકોએ તેમનું તાળીઓના ગડગડાટ સાથે ઉષ્માભર્યું સ્વાગત કર્યું. પોપ ફ્રાન્સિસે લોકોને ઈસ્ટરની શુભેચ્છા પાઠવતાં કહ્યું, “ભાઈઓ અને બહેનો, હેપ્પી ઈસ્ટર!” આ જ દિવસે તેમણે અમેરિકાના ઉપરાષ્ટ્રપતિ જેડી વાન્સ સાથે પણ મુલાકાત કરી, જે તેમની અંતિમ જાહેર મુલાકાતોમાંની એક હતી.