અમદાવાદ,
રાજ્યમાં ખોટા દસ્તાવેજોના આધારે નકલી ગન લાઇસન્સ (હથિયારનો પરવાનો) કાઢી આપવાના કેસમાં ગુજરાત એટીએસ દ્વારા વધુ 6 આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે. પોલીસે તમામ આરોપીઓને અમદાવાદ ગ્રામ્ય કોર્ટમાં રજૂ કરતાં કોર્ટે તમામ છ આરોપીઓને બે દિવસના પોલીસ રિમાન્ડ પર સોંપવા હુકમ કર્યો છે. આ કૌભાંડમાં અત્યાર સુધીમાં એટીએસ દ્વારા કુલ 66 આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે.
અમદાવાદ ગ્રામ્ય કોર્ટ દ્વારા હથિયાર લાઇસન્સ કૌભાંડમાં રિમાન્ડ પર સોંપાયેલા આરોપીઓમાં હિરેન દિલીપકુમાર પૂજારા, ધ્વનિત ઉર્ફે શિવમ મહેતા, અક્ષય ભરવાડ, ભરતભાઈ ઉર્ફે ટકો ઠુંગા, વિશ્વનાથ રઘુવંશી અને સંજયભાઈ ઉર્ફે ભઇલુ દેસાઈનો સમાવેશ થાય છે. નોંધનીય છે કે, આ આરોપીઓ અગાઉ પણ એક અથવા બીજા ગંભીર ગુનાઓમાં પણ પકડાયેલા છે.
એટીએસના અધિકારીઓએ ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે તમામ છ આરોપીઓને કોર્ટમાં રજૂ કરી રિમાન્ડની માંગણી કતાં જણાવ્યું હતું કે, આરોપી હિરેન પૂજારા અને ધ્વનિત મહેતા પાસેથી તેન્સીંગ નાગાલેન્ડનું ખોટુ હથિયાર લાઇસન્સ, એક પિસ્ટલ, 12 બંદૂક અને 96 નંગ પિસ્ટલના કારતૂસ તો, 100 નંગ બાર બોરના કારતૂસ જપ્ત કરાયા છે..તો આરોપીએ આ હથિયારનો કે કારતૂસનો ઉપયોગ કર્યો છે કે કેમ તે જાણવાનું છે. તો અક્ષય ભરવાડ નામના આરોપી પાસેથી દીમાપુર નાગાલેન્ડનું ખોટુ હથિયાર લાઇસન્સ અને રિવોલ્વર તેમ જ 18 નંગ કારતૂસ પકડાયા છે. જયારે આરોપી ભરત ઠુંગા પાસેથી તમેન્ગલોંગ મણિપુરનું ખોટુ હથિયાર લાઇસન્સ અને એક રિવોલ્વર, 12 બોર બંદૂક અને 51 નંગ કારતૂસ પકડાયા છે. તેણે 49 કારતૂસ ફોડી નાંખ્યા છે, તેથી તેની માહિતી કઢાવવાની છે. વિશ્વનાથ રઘુવંશી પાસેથી વોખા, નાગાલેન્ડનું ખોટુ લાઇસન્સ, એક પિસ્ટલ, 12 બોર બંદૂક અને 100 નંગ કારતૂસ જપ્ત કરાયા છે.
પોલીસે કોર્ટને રિમાન્ડ માંગણી સમયે જણાવ્યું હતું કે તપાસ સમયે આરોપીઓએ આ હથિયારો કયા ગનહાઉસમાંથી ખરીદ્યા છે…?, તેની કોઈ નોંધ કરવામાં આવી છે કે નહી…? આરોપીઓએ ફોડેલા કારતૂસ ક્યાં વાપર્યા અને ક્યાં ફાયર કર્યા…? તેની તપાસ કરવાની છે. આરોપી દ્વારા નાગાલેન્ડ સહિતની જગ્યાએથી હથિયારના લાઇસન્સ કેવી રીતે મેળવાયા? આરોપીઓએ મોટી રકમ આપી હથિયારોના લાઇસન્સ મેળવ્યા છે તો આ પૈસા ક્યાંથી આવ્યા? આરોપીઓની હથિયારોની હેરાફેરી કરતી આંતરરાજ્ય ગેંગના સભ્યો છે કે કેમ તે સહિતની બાબતોની ઝીણવટભરી તપાસ કરવાની હોઈ આરોપીઓના પૂરતા દિવસના રિમાન્ડ કોર્ટે મંજૂર કરવા જોઈએ. એટીએસની રજૂઆતને ધ્યાને લઈ કોર્ટે તમામ છ આરોપીઓના બે દિવસના રિમાન્ડ મંજૂર કર્યા હતા.