ખેડા જિલ્લામાં આવેલ નવાગામના મહિલા સારવાર દરમિયાન બ્રેઇન ડેડ થતાં પતિનો અંગદાનનો હ્રદયસ્પર્શી નિર્ણય

સોશિયલ મીડિયા પર શેર કરો

અમદાવાદ,

અમદાવાદ સિવિલ હોસ્પિટલના અંગદાનના સેવાયજ્ઞ ના કારણે છેલ્લા 72 કલાકની અંદર હોસ્પિટલમાં સતત 2 અંગદાન થયા. જેના થકી 7 જેટલા જરુરીયામંદોને નવજીવન મળ્યું છે. સિવિલ હોસ્પિટલમાં અત્યાર સુધીમાં 179 બ્રેઇન ડેડ વ્યક્તિના અંગદાન થકી 565 જરૂરીયાતમંદને જીવનદાન મળ્યું છે.

અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં થયેલા 179માં અંગદાનની વાત કરીએ તો,  ખેડા જિલ્લાના નવાગામના વતની દક્ષાબેન ગોહિલને તારીખ 17 ફેબ્રુઆરીના રોજ ફેક્ટરીમાં મજુરી કામે જતા ખેડા પાસે  નવાગામ નગરી ખાતે અકસ્માત સર્જાયો હતો. જેમાં માથાના ભાગે ગંભીર ઇજા થતા તા.17/02/2025 ના રોજ સારવાર અર્થે પ્રથમ ખેડા સિવિલ હોસ્પિટલ અને ત્યારબાદ તે જ દિવસે સિવિલ હોસ્પિટલ અમદાવાદ ખાતે લાવવામાં આવ્યા હતા. સિવિલ હોસ્પિટલમાં આઇ.સી.યુ (ICU)માં સઘન સારવાર દરમિયાન તા.24/02/2025ના રોજ ડૉક્ટરોએ દક્ષાબેન ગોહેલને બ્રેઈનડેડ જાહેર કર્યા હતા.

અમદાવાદની સિવિલ હોસ્પિટલના ડૉક્ટરોની ટીમે દક્ષાબેન ગોહિલના પરિવારજનોને તેમની બ્રેઈન ડેડ અવસ્થા વિશે સમજાવવામાં આવ્યા હતા. 10 વર્ષની દીકરી અને 7 વર્ષના દીકરા એમ 2 બાળકોના માતા એવા દક્ષાબેનની અચાનક આવી પડેલી આવી વિકટ પરિસ્થિતીમાં પણ તેમના પતિ સુરેશભાઇએ પોતાની લાગણીઓ અને દુ:ખને ભૂલીને અન્ય કોઇ ભુલકાઓના માથેથી તેમની માતા કે પિતાની છત્રછાયા ન જાય તે લાગણી સાથે પત્નીના અંગોનું દાન કરવાનો નિર્ણય કર્યો.

આ સમગ્ર મામલે અમદાવાદ સિવિલ હોસ્પિટલનાં તબીબી અધિક્ષક ડૉ. રાકેશ જોષીએ જણાવ્યું હતું કે, આ અંગદાન થકી  સિવિલ હોસ્પિટલ દ્વારા અત્યાર સુધીમાં કુલ 583 અંગોનું દાન મળેલ છે. જેના થકી 565 વ્યકિતઓને જીવનદાન મળ્યુ છે. દાનમાં મળેલ 2 કિડની અને 1 લીવરને સિવીલ મેડીસીટી કેમ્પસની કિડની હોસ્પિટલમાં અને હ્રદય ને યુ. એન. મેહતા હોસ્પિટલમાં જરૂરિયાતમંદ દર્દીમાં પ્રત્યારોપણ કરવામાં આવશે. અત્રે ઉલ્લેખનીય છે,  સિવિલ હોસ્પિટલમાં અત્યાર સુધીમાં 324 કિડની, 156 લીવર, 55 હ્રદય, 30 ફેફસા , 10 સ્વાદુપિંડ, 2 નાના આંતરડા, 6 હાથ, 5 સ્કીન અને 120 આંખોનું દાન મળ્યું છે‌.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *