ભાવનગર,
ભાવનગર જિલ્લામાં આવેલ લાખો લોકોની પરમ આસ્થા અને શ્રદ્ધાના પ્રતિક સમાન નિષ્કલંક મહાદેવ, કોળીયાકને આધુનિક યાત્રાધામ બનાવવાની દિશામાં કેન્દ્રીય રાજ્ય મંત્રીશ્રી નિમુબેન બાંભણીયાના નેતૃત્વમાં વિશેષ પગલાં લેવામાં આવ્યા છે. જે અંતર્ગત આજે કેન્દ્રીય રાજ્ય મંત્રીશ્રી નિમુબેન બાંભણીયા, જિલ્લા કલેકટર શ્રી ડૉ. મનીષ કુમાર બંસલ, જિલ્લા વિકાસ અધિકારી શ્રી હનુલ ચૌધરી, મદદનીશ કલેક્ટર શ્રી પ્રતિભા દહિયા સહિત જિલ્લાના અધિકારીઓએ કોળિયાકની મુલાકાત લઈ આ યાત્રાધામના સર્વાંગી વિકાસની નેમ વ્યક્ત કરી હતી.

કેન્દ્રીય રાજ્ય મંત્રીશ્રીએ આ મુલાકાત દરમિયાન કોળિયાક યાત્રાધામને વધુ સુસજ્જ અને આધુનિક માળખાકીય સુવિધાઓથી સંપન્ન બનાવવા પદાધિકારી- અધિકારીઓ સાથે વ્યાપક ચર્ચા- વિચારણા કરી જરૂરી માર્ગદર્શન અને સૂચનાઓ આપી હતી.
અત્રે ઉલ્લેખનીય છે કે, નિષ્કલંક મહાદેવ કોળિયાક ખાતે દર વર્ષે હજારો શ્રદ્ધાળુઓ દર્શનાર્થે આવે છે, તેથી તેમની સુવિધા માટે મંદિર સુધી સરળ અને સુરક્ષિત માર્ગ, સારી પાર્કિંગ વ્યવસ્થા, શ્રદ્ધાળુઓ માટે આરામગૃહ અને અન્ય આધુનિક સુવિધાઓના વિકાસ માટેના આયોજન અંગે ચર્ચા કરવામાં આવી હતી.

નિષ્કલંક મહાદેવ મંદિર માત્ર આસ્થાનું નહિં પણ આપણા ઐતિહાસિક અને આધ્યાત્મિક વારસાનું મહત્વપૂર્ણ સ્થાન છે. તેનું સાચું સંવર્ધન કરીને ભાવિ પેઢીને ગૌરવ થાય એવું યાત્રાધામ બનાવવાની દિશામાં રાજ્ય અને કેન્દ્ર સરકાર સંકલ્પબદ્ધ છે.