સુરત,
સુરતના શિવશક્તિ માર્કેટમાં લાગેલી ભયંકર આગ પર ખૂબ મહેનત બાદ કાબૂમાં આવી ચૂક્યો હતો પણ માર્કેટમાં મોટાભાગની દુકાનો બળીને ખાખ થઈ ગઈ છે અને વેપારીઓનો કરોડો રૂપિયાનો માલ પણ બળી ગયો છે અને કરોડો રૂપિયાનું નુકસાન વેઠવાનો વારો વેપારીઓને આવ્યો છે.
સુરતનાં રીંગરોડ વિસ્તારમાં આવેલા શિવશક્તિ ટેક્સટાઇલ માર્કેટમાં ભીષણ આગ લાગી હતી. આગ એટલી વિકરાળ હતી કે તેને કાબૂમાં કરવા માટે 44 કલાક જેટલો સમય લાગ્યો હતો. ફાયર વિભાગનાં 150 થી વધુ જવાન અને અધિકારીઓ આગ બુઝાવવા માટે કામે લાગ્યા હતા. આગનાં કારણે અંદાજે 850 કરોડનું નુકસાન થયું હોવાની આશંકા વ્યક્ત કરાઈ હતી. આ ઘટનામાં વેપારીઓને ભારે નુકસાન થયું છે. ત્યારે આજે કેન્દ્રીય જળશક્તિમંત્રી સી.આર.પાટીલ શિવશક્તિ માર્કેટ પહોંચ્યા હતા અને વેપારીઓની વ્યથા જાણવાનો પ્રયાસ કર્યો હતો. કેન્દ્રીય મંત્રી પાટીલે વેપારીઓ સાથે વાતચીત કરીને તેમનાં પ્રશ્નો અને સમસ્યા સાંભળી હતી. કેન્દ્રીય મંત્રી સાથે ગૃહરાજ્યમંત્રી હર્ષ સંઘવી અને મંત્રી મુકેશ પટેલ પણ હાજર રહ્યા હતા.
જે રિલીફ ફંડ કમિટીમાં રૂપિયા 5000થી લઈને લાખો રૂપિયા સુધીની રકમની લોકો સહાય કરી શકે છે. ઘટનાસ્થળની મુલાકાત લીધા બાદ સી.આર.પાટીલે નિવેદન આપતા કહ્યું કે સરકાર તરફથી જે કોઈ સહાય મળે તે માટે રજુઆત કરવામાં આવશે. અમારા તરફથી પણ રાજ્ય અને કેન્દ્ર સરકારની યોજના થકી કેવી રીતે મદદ કરી શકાય તે અંગેના પ્રયાસ કરવામાં આવશે. હાલમાં 11 લાખ રૂપિયાની રકમ રિલીફ ફંડમાં શહેર ભાજપ તરફથી જમા કરવામાં આવી છે.