કૃષિ યાંત્રિકીકરણ યોજના અમદાવાદના ખેડૂત માટે વરદાન રૂપ સાબિત થઈ

સોશિયલ મીડિયા પર શેર કરો

ધોળકાના ખેડૂત મહેશભાઈ એ કમોસમી વરસાદમાં પાકને સમયસર લણી લીધો – મશીનથી બીજા ખેડૂતોનાં પાકની કાપણી કરી એક્સ્ટ્રા આવક મેળવી શક્યા

અમદાવાદ/ગાંધીનગર,

અમદાવાદના ખરાંટી ગામના અનુસૂચિત જાતિના એક સામાન્ય ખેડૂત, મહેશભાઇ રામજીભાઇ દુલેરા, આજે માત્ર પોતાના ગામમાં જ નહીં પરંતુ આજુબાજુના ગામોમાં પણ એક સફળ ખેડૂત તરીકે ઓળખાય છે. તેમની આ સફળતાની શરૂઆત ત્યારે થઈ જ્યારે તેમને કેન્દ્ર/રાજ્ય સરકારની એક મહત્વકાંક્ષી યોજના સબ-મિશન ઓન એગ્રીકલ્ચર મિકેનાઇઝેશન (SMAM) વિશે જાણકારી મળી.

મહેશભાઇ જણાવે છે કે, એક સમયે તેમની પાસે આધુનિક ખેતીના સાધનો ખરીદવા માટે પૂરતા પૈસા નહોતા. તેઓ હાર્વેસ્ટર ખરીદવા માંગતા હતા, પરંતુ તેમને આ માટેની કોઈ સરકારી સહાય યોજના વિશે ખબર નહોતી. એક દિવસ તેમની મુલાકાત ગ્રામસેવક સાથે થઈ અને તેમણે મહેશભાઇને આઈ ખેડૂત પોર્ટલ પર અરજી કરવાની સલાહ આપી. મહેશભાઇએ તુરંત જ આ પોર્ટલ પર અરજી કરી.

તેમની અરજી જિલ્લા પંચાયત દ્વારા મંજૂર કરવામાં આવી અને ત્યારબાદ નિયમાનુસાર હાર્વેસ્ટરની ખરીદી અને ચકાસણીની પ્રક્રિયા પૂર્ણ થઈ. ત્રણ મહિનાની અંદર જ તેમના ખાતામાં સબસિડીની રકમ જમા થઈ ગઈ. મહેશભાઇની ખુશીનો પાર ન રહ્યો.

હાર્વેસ્ટર ખરીદ્યા બાદ મહેશભાઇએ પોતાના ખેતરમાં કામ કરવાનું શરૂ કર્યું, સાથે – સાથે તેમણે પોતાના ગામ અને આજુબાજુના ગામોનાં જરૂરીયાતમંદ બીજા ખેડૂતોના પાકની કાપણી કરી આપવાનું પણ શરૂ કર્યું. આનાથી તેમને સારી આવક થવા લાગી. તેમની આર્થિક સ્થિતિ મજબૂત બની.

આ સફળતાથી પ્રોત્સાહિત થઈને મહેશભાઇએ ગંઠા બાંધવાનું બેલર ખરીદવાનો પણ નિર્ણય લીધો. જેનાથી તેઓ ડાંગરનાં પરાળનાં ગંઠા બાંધીને વધારાની આવક મેળવવા લાગ્યા

મહેશભાઈનાં પિતાશ્રી રામજીભાઈ જણાવે છે કે,  રાજ્ય સરકાર અને ખેતીવાડી ખાતાના સહયોગથી હું મશીન વસાવીને સારી આવક કમાયો છું, મશીન હોવાને કારણે પાકની કાપણી પણ સમયસર થાય છે.

આ અંગે વધુ માહિતી આપતા જિલ્લા ખેતીવાડી અધિકારીશ્રી, એચ.આઈ.પટેલ જણાવે છે કે કેન્દ્ર/રાજ્ય સરકારશ્રીનાં ખેતીવાડી વિભાગની વિવિધ યોજનાના માધ્યમથી ખેડૂતોને હાર્વેસ્ટર અને બેલરની ખરીદી માટે સબસીડી આપે છે. હાર્વેસ્ટરની બજાર કિંમત આશરે ૨૮ થી ૩૦ લાખ રૂપિયા જેટલી છે, જેના પર ખેડૂતોને ૬.૫૦ થી ૧૨.૫૦ લાખ રૂપિયા સુધીની સબસીડી મળે છે. જ્યારે બેલરની બજાર કિંમત ૧૨  થી ૧૪ લાખ રૂપિયા છે, જેના પર કેન્દ્ર/રાજ્ય સરકારશ્રી નાં ખેતીવાડી વિભાગ દ્વારા લગભગ ૫ લાખ થી ૬.૫૦ લાખ રૂપિયાની સબસીડી આપવામાં આવે છે.

સબસિડીવાળી કૃષિ યાંત્રિકીકરણ યોજનાઓ, જેમ કે સબ-મિશન ઓન એગ્રીકલ્ચરલ મિકેનાઇઝેશન (SMAM), ખેડૂતો માટે એક વરદાનરૂપ સાબિત થઈ છે. આ યોજના અંતર્ગત, સરકાર ખેડૂતોને હાર્વેસ્ટર, બેલર, લેસર લેન્ડ લેવલર, પાવર ટીલર, રીપર જેવા આધુનિક કૃષિ સાધનો ખરીદવા માટે આર્થિક સહાય પૂરી પાડે છે. આનાથી નાના, મહિલા અને સીમાંત ખેડૂતો પણ આધુનિક ટેકનોલોજીનો ઉપયોગ કરીને તેમની ખેતીને વધુ કાર્યક્ષમ અને ઉત્પાદક બનાવી શકે છે.

સબસિડી મળવાથી ખેડૂતો પર આર્થિક બોજો ઓછો થાય છે અને તેઓ સમયસર ખેતીના કાર્યો કરી શકે છે, જેના પરિણામે પાકની ગુણવત્તા અને ઉત્પાદનમાં વધારો થાય છે.

મહેશભાઇની જેમ અનેક ખેડૂતોએ આ યોજનાનો લાભ લઈને પોતાની આવક બમણી કરી છે અને આત્મનિર્ભર બન્યા છે. આ યોજના કૃષિ ક્ષેત્રે આધુનિકરણ લાવવામાં અને ખેડૂતોના જીવનધોરણને સુધારવામાં મહત્વની ભૂમિકા ભજવી રહી છે.

મહેશભાઇ આ યોજનાના ફાયદા જણાવતા કહે છે કે, અત્યારના કમોસમી વરસાદની સ્થિતિમાં જો પોતાનું હાર્વેસ્ટર અને બેલર હોય તો તાત્કાલિક પાકની કાપણી કરી શકાય છે. રાજ્ય સરકારની સહાયથી ખરીદેલા આ મશીનોને કારણે તેઓ આવી કપરી પરિસ્થિતિમાં પણ પોતાનો પાક બચાવી શક્યા છે.

આજે મહેશભાઇ અન્ય ખેડૂતો માટે પણ પ્રેરણારૂપ બન્યા છે. સમયસર પાકની કાપણી અને મશીનથી  અન્ય ખેડૂતોને ભાડેથી પાકની કાપણી કરી આપીને તેઓ વધારાની આવક મેળવી રહ્યા છે, જે તેમના પરિવાર માટે સમૃદ્ધિ લઈને આવી છે. ગુજરાત સરકારની આ યોજના ખરેખર ખેડૂતો માટે આશીર્વાદરૂપ સાબિત થઈ છે, જેનું જીવંત ઉદાહરણ મહેશભાઇની સફળતાની ગાથા છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *