પોરબંદર,
રવિવારે યોજાયેલી સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં ભાજપને સમાજવાદી પાર્ટીએ જોરદાર ટક્કર આપી છે. કુતિયાણા અને રાણાવાવમાં ભાજપ, કોંગ્રેસ બંનેને ટક્કર મારીને સપા (સમાજવાદી પાર્ટી)એ બાજી પલટી દીધી છે. કુતિયાણા નગરપાલિકાની કુલ 24 બેઠકમાંથી 14 બેઠક પર સપા અને 10 બેઠક પર ભાજપની જીત થઈ છે. વળી રાણાવાવમાં સપાએ 20 બેઠક સાથે બહુમત મેળવી જીત હાંસલ કરી છે. આ સાથે ભાજપ 8 બેઠક પર જ સમેટાઈ ગઈ હતી.
પોરબંદરમાં કુતિયાણા નગરપાલિકા 30 વર્ષનો રેકોર્ડ તૂટી ગયો છે. આખરે 30 વર્ષે જનતા પરિવર્તન લાવી. રાણાવાવ અને કુતિયાણા નગરપાલિકામાં ભાજપને હાર મળી છે. કાંધલ જાડેજાની પેનલનો વિજય થયો છે. કુતિયાણાના ધારાસભ્ય કાંધલ જાડેજાના નાના ભાઈ કાના જાડેજા ઊભા રહ્યાં હતા, જ્યારે છેલ્લા 30 વર્ષથી નગરપાલિકાના પ્રમુખ રહેલા ઢેલીબેન ઓડેદરા અને તેમના પુત્ર ભાજપ તરફથી ઊભા હતા.
પ્રતિષ્ઠાભર્યા જંગમાં કાંધલ જાડેજાનું પ્રભુત્વ યથાવત રહ્યું છે. તેમાં કુતિયાણામાં 30 વર્ષ બાદ ઐતિહાસિક પરિવર્તન થયુ છે. રાણાવાવમાં સમાજવાદી પાર્ટીને 20 બેઠક મળી છે.
કુતિયાણા નગર પાલિકામાં જીત મેળવ્યા બાદ કાના જાડેજાએ નિવેદન આપતા કહ્યું હતું કે, અમારો જીતવાનું કારણ તો રાણાવાવ અને કુતિયાણાના મતદારો છે. જેણે અમને સપોર્ટ કર્યો અને મત આપ્યા. હું આ તમામનો આભારી છું અને બધા વતી આશ્વાસન આપું છું કે, હું કુતિયાણા અને રાણાવાવનું જેવી રાણાઓની કુતિયાણાની નગર પાલિકા છે એટલી જ સરસ રાણાવાવની નગર પાલિકા બનાવવામાં આવશે.