બેંગલુરુ,
કર્ણાટકના મુખ્યમંત્રી સિદ્ધારમૈયા દ્વારા એક મોટી જાહેરાત કરી હતી જેમાં, બેંગ્લુરુ સિટી યુનિવર્સિટીનું નામ પૂર્વ વડાપ્રધાન ડૉ. મનમોહન સિંહના નામ પર રાખવામાં આવશે. તેમણે કહ્યું કે ‘હવે યુનિવર્સિટીનું નામ ડૉ. મનમોહન સિંહ બેંગ્લુરુ સિટી યુનિવર્સિટી હશે. આ યુનિવર્સિટીનું નામ પહેલા બેંગ્લુરુ સેન્ટ્રલ યુનિવર્સિટી હતું. આની 2017માં સ્થાપના કરવામાં આવી હતી અને 2020માં તેનું નામ બદલવામાં આવ્યું હતું. મુખ્યમંત્રી સિદ્ધારમૈયાએ બજેટ સત્ર દરમિયાન આ જાહેરાત કરી છે. 26 ડિસેમ્બરે પૂર્વ પીએમનું નિધન થઈ ગયું હતું. તે 22 મે 2004થી 26 મે 2014 સુધી 10 વર્ષ દેશના વડાપ્રધાન રહ્યા.
કર્ણાટકમાં નાણા વિભાગ પણ સીએમ સિદ્ધારમૈયા પાસે જ છે. તેમણે દાવો કર્યો કે 2025-26 માટે સરકારે રાજકોષીય ખાધનું સંતુલન જાળવીને રાખ્યું છે. વિધાનસભામાં 2025-26 માટે બજેટ રજૂ કરતાં સિદ્ધારમૈયાએ વિશેષ રીતે રેખાંકિત કર્યું કે પાંચ ગેરંટીઓ- ગૃહ જ્યોતિ, ગૃહ લક્ષ્મી, અન્ન ભાગ્ય, યુવા નિધિ અને શક્તિ યોજનાઓ માત્ર મફતની વસ્તુઓ નથી પરંતુ આર્થિક અને સામાજિક સિદ્ધાંતો પર કરવામાં આવેલી વ્યૂહાત્મક રોકાણ છે.
સાથેજ તેમણે જણાવ્યું હતું કે, ‘કર્ણાટક સરકારની યોજનાઓ વિભિન્ન આંતરરાષ્ટ્રીય મંચો પર ઉઠાવવામાં આવેલા ઘણા સામાજિક અને આર્થિક સવાલોનો સશક્ત જવાબ છે. અમે લોકોની ખરીદ શક્તિ વધારવાના હેતુથી કલ્યાણકારી કાર્યક્રમ શરુ કર્યા છે. રાજ્ય સરકારની જવાબદારી છે કે તે એ નક્કી કરે કે ઉપલબ્ધ સંસાધન તમામ માટે સુલભ હોય. આર્થિક વિકાસને લોકોના કલ્યાણની સાથે સંતુલિત કરીને અમે સાર્વત્રિક મૂળભૂત આવકની વિચારધારાના માધ્યમથી કર્ણાટકના વિકાસ મોડલને આકાર આપી રહ્યા છીએ. અમારી સરકાર સામાજિક ન્યાયના પાયાને સુરક્ષિત કરવા માટે દ્રઢ સંકલ્પિત છે.’