ગાંધીનગર,
છેલ્લા ચાર-પાંચ દિવસથી રાજ્યના અલગ અલગ જિલ્લાઓમાં પડી રહેલ કમોસમી વરસાદના કારણે કેરીના પાકને વ્યાપક પ્રમાણમાં નુકસાન થવા પામ્યું છે. બાગાયત વિભાગ અને ખેતીવાડી વિભાગ દ્વારા પાક નુકસાનીનો સર્વે શરૂ કરવામાં આવ્યો છે.
કમોસમી વરસાદને લઈને ખેડૂતોનો મોઢે આવેલો કોળિયો છીનવાઈ ગયો છે. એવામાં કૃષિ વિભાગે નુકસાનીનો સરવે કરવા માટેનો આદેશ આપ્યો છે. કમોસમી વરસાદના કારણે ખેડૂતોને મોટાપાયે નુકસાન થવાની આશંકા છે. એવામાં પ્રાથમિક સરવે પૂરો કરીને બે દિવસમાં કૃષિ વિભાગને રીપોર્ટ સબમિટ કરવાનું જણાવવામાં આવ્યું છે. સત્રના અંત સુધીમાં રીપોર્ટ રજૂ કરવામાં આવશે અને ત્યારબાદ રાજ્ય સરકાર દ્વારા નિર્ણય લેવામાં આવશે. મળતી માહિતી મુજબ, કમોસમી વરસાદના કારણે કેરી, ચીકુ જેવા બાગાયતી પાકોમાં મોટાપાયે નુકસાન થયાની આશંકા છે. આ સિવાય મગ, તલના પાકને પણ નુકસાન થયું છે.

મળતી માહિતી મુજબ, બે દિવસની અંદર અધિકારીઓ પ્રાથમિક રીપોર્ટ સબમિટ કરી દેશે અને આગામી સપ્તાહમાં ફાઇનલ રીપોર્ટ કૃષિ વિભાગને સબમિટ કરશે. આ ઉપરાંત સરવેની કામગીરી SDRF(State Disaster Response Fund)ના ધારા-ધોરણ હેઠળ કરવામાં આવશે. એટલે કે, જે ખેડૂતોના 33%થી વધારે પાકને નુકસાન થયું હશે તેમને વળતર આપવામાં આવશે.