એસ.એસ.સી. અને એચ.એસ.સી. પરીક્ષાર્થીઓ માટે શિક્ષણ રાજ્ય મંત્રી શ્રી પ્રફુલભાઈ પાનશેરીયાની શુભકામનાઓ

સોશિયલ મીડિયા પર શેર કરો

ગાંધીનગર,

ગુજરાતમાં આજે તા. 27/02/2025, ગુરૂવારથી શરૂ થતી એસ.એસ.સી. અને એચ.એસ.સી. બોર્ડની પરીક્ષાઓ માટે શિક્ષણ રાજ્ય મંત્રી શ્રી પ્રફુલભાઈ પાનશેરિયાએ તમામ વિધાર્થીઓને શુભકામનાઓ પાઠવી હતી. રાજ્યમાં કુલ 14 લાખથી વધુ વિદ્યાર્થીઓ પરીક્ષા આપશે, જેમાં એસ.એસ.સી.ના 9 લાખથી વધુ, એચ.એસ.સી.ના 4 લાખથી વધુ અને એચ.એસ.સી. સાયન્સ પ્રવાહના 1 લાખથી વધુ વિધાર્થીઓ સામેલ છે.

મંત્રીશ્રીએ વિધાર્થીઓને સંદેશ આપતાં જણાવ્યું કે પરીક્ષાને ટેન્શન તરીકે નહીં, પણ એક ઉત્સવ તરીકે ઉજવવો જોઈએ. જો કોઈ વિદ્યાર્થી કોઈ એક પેપરમાં સારું પ્રદર્શન ન કરી શકે, તો તેને હતાશ થવાની જરૂર નથી. ઓછા માર્ક્સ જીવનનો અંત નથી – મહેનત અને ધીરજથી ભવિષ્યમાં ઉજ્જવળ સફળતા હાંસલ કરી શકાય છે. ઘણા વિદ્યાર્થીઓ ધોરણ 10 અને ધોરણ 12 પછી સખત મહેનત કરીને સિવિલ સર્વિસ સહિતની ઉચ્ચ પદવી હાંસલ કરે છે અને માતા-પિતાનું ગૌરવ વધારતા હોય છે. તેથી, માતા-પિતાએ પણ ઘરમાં હકારાત્મક માહોલ રાખવો જોઈએ જેથી વિદ્યાર્થીઓ નિડર બની પરીક્ષા આપી શકે.

રાજ્ય સરકાર દ્વારા પરીક્ષાઓનું પારદર્શક સંચાલન સુનિશ્ચિત કરવા માટે વર્ગ-1 અને વર્ગ-2ના અધિકારીઓની નિમણૂક કરવામાં આવી છે. સાથે જ ટેકનોલોજીની મદદથી તમામ પરીક્ષા કેન્દ્રો પર કડક મોનિટરિંગ રાખવામાં આવશે. મુખ્ય કેન્દ્રથી પેપરના વહન સહિતની તમામ વ્યવસ્થાઓ માટે કંટ્રોલ રૂમમાં સતત નજર રાખવામાં આવશે.

ઉપરાંત, કોઈ પણ વિદ્યાર્થીને કોઈ તકલીફ પડે તો પોલીસ વિભાગ અને અન્ય શાસકીય એજન્સીઓ મદદ માટે હંમેશા તૈયાર રહેશે. રાજ્યના માન. મુખ્યમંત્રીશ્રી ભુપેન્દ્રભાઈ પટેલજીની સૂચનાથી, ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમ દ્વારા વિધાર્થીઓ માટે વિનામૂલ્યે બસ સેવાની વ્યવસ્થા કરવામાં આવી છે, જેથી તેઓ સરળતાથી પરીક્ષા કેન્દ્ર સુધી પહોંચી શકે.

ગુજરાતના વિધાર્થીઓ છેલ્લા અનેક વર્ષોથી બોર્ડની પરીક્ષાઓમાં ઉત્તમ પરિણામ આપતા આવ્યા છે. આ વર્ષે પણ ગુજરાતના યુવાધન કઠોર મહેનત અને આત્મવિશ્વાસ સાથે શ્રેષ્ઠ પરિણામ પ્રાપ્ત કરશે, તેવી મંત્રીશ્રીએ આશા વ્યક્ત કરી. સાથે જ, માતા-પિતાને વિનંતી કરી કે, પરીક્ષાના દિવસોમાં ઘરમાં શાંતિપૂર્ણ અને પ્રોત્સાહક વાતાવરણ જળવાય, જેથી વિદ્યાર્થીઓ નિર્ભય બની પરીક્ષા આપી શકે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *