વડોદરા,
વડોદરા શહેરના સમા વિસ્તારમાં આવેલી પોદ્દાર સ્કૂલ એક વિવાદમાં ફસાઈ છે જેમાં કેટલાક વાલીઓ દ્વારા સ્કૂલ પર આક્ષેપો કરવામાં આવ્યા હતા કે, એફઆરસીએ નક્કી કરેલી ફી કરતા વધારે ફી લેવામાં આવે છે.
મહત્વનું છે કે, સમા વિસ્તારમાં આવેલ પોદ્દાર સ્કૂલના વાલીઓની સાથે વડોદરા વાલી મંડલના હોદ્દેદારો અને સ્થાનિક કાઉન્સિલરો પણ વિરોધમાં જોડાયા હતા. વાલીઓનું કહેવું હતું કે, ત્રણ વર્ષથી સ્કૂલ દ્વારા વધારે ફી લેવામાં આવીર હી છે અને તેની પાછળનું કારણ પણ જણાવાઈ રહ્યું નથી.
આ મામલે એક વાલીએ કહ્યું હતું કે, આ બાબતે ડીઈઓ કચેરીમાં ફરિયાદ પણ કરી છે. સ્કૂલ દ્વારા દરેક ધોરણમાં એફઆરસીએ નક્કી કરી હોય તેના કરતા 12000 થી 15000 રૂપિયા વધારે ફી લેવામાં આવી છે. સ્કૂલ દ્વારા એડવાન્સમાં ફીની માગણી કરવામાં આવી રહી છે. જો ફી ભરવામાં મોડુ થાય તો બાળકોને જાહેરમાં અપમાનિત કરાય છે અને બાળકો રડતા રડતા ઘરે આવે છે.
આ સાથેજ અન્ય એક વાલીએ જણાવ્યું હતું કે, આટલી ફી ભર્યા પછી પણ સ્કૂલમાં વિદ્યાર્થીઓને યોગ્ય સુવિધાઓ પણ મળી રહી નથી. સ્કૂલમાં ગરમીની સિઝનમાં એસી નથી ચાલતા હોતા. પીવાના પાણીની પણ સમસ્યા છે અને વોશરૂમ પણ ગંદા છે.
આ બાબતે વડોદરા વાલી મંડળે કહ્યું હતું કે, એફઆરસીનો હુકમ શાળાના નોટિસ બોર્ડ પર કેમ નથી અને શાળા દ્વારા એફઆરસીના હુકમ કરતા વધારે ફી કેમ લેવાય છે તેનો સંતોષકારક જવાબ સંચાલકો આપી શક્યા નહોતા. જેના કારણે વાલી મંડળે એફઆરસીનો હુકમ શાળાના નોટિસ બોર્ડ પર લગાડયો હતો.
આ મામલે પોદાર સ્કૂલના આચાર્યે કહ્યું હતું કે, અમે એફઆરસીના ઓર્ડર કરતા એક પણ રૂપિયો વધારે ફી લેતા નથી. અમે એફઆરસી સમક્ષ પણ આ વાત સાબિત કરી શકીએ તેમ છે. સ્કૂલમાં કેટલાક વાલીઓના હંગામા વચ્ચે દસ્તાવેજો બતાવવાનું શક્ય નહોતું. દરેક ફલોરના વોશરુમ દીઠ એક સફાઈ કર્મચારી રાખવામાં આવ્યા છે. પીવાના પાણીની સમસ્યા છે જ નહીં. સ્કૂલમાં આરઓ સાથેના કૂલર મૂકાયા છે. અમે તો વાલીઓને પણ સ્કૂલમાં આવીને તમામ સુવિધાઓ જોઈ લેવા માટે કહ્યું છે.
તેમજ આ મુદ્દા પર વાલી મંડળનું કહેવું છે કે, સ્કૂલ દ્વારા કેજીથી લઈને ધો. 12 સુધી 98000 રૂપિયા જેટલી ફીની માગણી કરવામાં આવી છે અને તેની સામે એફઆરસી દ્વારા જાન્યુઆરી મહિનામાં વચગાળાનો હુકમ કરીને 33000 રૂપિયાથી માંડીને 50000 રૂપિયા ફી નક્કી કરવામાં આવી છે. શાળાને વૈકલ્પિક ફીની રકમ વાલીઓની સંમતિ બાદ લેવાની છુટ અપાઈ છે સાથે સાથે વચગાળાના હુકમની ફી કરતા વધારે ફી વસુલ નહીં કરી શકે તેવું પણ કહેવાયું છે. કોઈ સંજોગોમાં વચગાળાના હુકમમાં ફેરફાર થાય કે એફઆરસીના હુકમમાં ફેરફાર થાય તો જ ફીની રકમમાં ફેરફાર થઈ શકે છે.