દેહરાદુન,
મુખ્યમંત્રી પુષ્કર સિંહ ધામીની આગેવાણીવાળી ઉત્તરાખંડ સરકારે સાયરા બાનુને રાજ્ય મહિલા આયોગના ઉપાધ્યક્ષ તરીકે નિયુક્ત કર્યા છે. 2016માં ટ્રિપલ તલાક વિરુદ્ધ સુપ્રીમ કોર્ટમાં રિટ પિટિશન દાખલ કરવામાં આવ્યા બાદ સાયરા બાનુ ચર્ચામાં આવ્યા હતા.
સાયરા બાનુ ઉત્તરાખંડના ઉધમ સિંહ નગરના કાશીપુરના રહેવાસી છે. તેમણે ટ્રિપલ તલાક સામે કાનૂની લડાઈ લડી હતી. ટ્રિપલ તલાક અંગે સુપ્રીમ કોર્ટનો નિર્ણય તેમના પક્ષમાં હતો.
ઉલ્લેખનીય છે કે, ફેબ્રુઆરી 2016માં કાશીપુરના રહેવાસી સાયરા બાનુએ સુપ્રીમ કોર્ટમાં ટ્રિપલ તલાક પર પ્રતિબંધ લગાવવાની માંગણી કરીને અરજી કરી હતી. સાયરાએ 2002માં અલ્હાબાદના એક વ્યક્તિ સાથે લગ્ન કર્યા હતા.સાયરાએ તેના પર ઘરેલુ હિંસાનો આરોપ લગાવ્યો હતો. સાયરાના પતિએ તેને ટેલિગ્રામ દ્વારા છૂટાછેડાની નોટિસ મોકલી હતી.
સાયરા બાનુએ સુપ્રીમ કોર્ટમાં ટ્રિપલ તલાક અને નિકાહ હલાલાની પ્રથાની બંધારણીયતાને પડકારતી અરજી કરી હતી. અરજીમાં તેમણે મુસ્લિમોમાં પ્રચલિત બહુપત્નીત્વની પ્રથાને પણ ખોટી ગણાવી હતી અને તેને નાબૂદ કરવાની માંગ કરી હતી. સાયરાની દલીલ હતી કે ટ્રિપલ તલાક એ બંધારણની કલમ 14 અને 15 હેઠળ આપવામાં આવેલા મૂળભૂત અધિકારોનું ઉલ્લંઘન છે.
સાયરા બાનુ ભાજપમાં જોડાઈ હતી. ભાજપમાં જોડાવા પર સાયરા બાનુએ કહ્યું હતું કે તે પીએમ નરેન્દ્ર મોદી અને ભાજપની નીતિઓથી પ્રેરિત થઈને પાર્ટીમાં જોડાઈ છે. મહિલાઓને ન્યાય અપાવવા માટે તેઓ સતત સંઘર્ષ કરતા રહેશે. 22 ઓગસ્ટ 2017ના રોજ સુપ્રીમ કોર્ટે ટ્રિપલ તલાકના મુદ્દે ઐતિહાસિક ચુકાદો આપ્યો હતો.