ઉતરાખંડ બાદ યુનિફોર્મ સિવિલ કોડ (UCC) લાગુ કરનાર ગુજરાત દેશનું બીજુ રાજ્ય બનશે: કાયદા મંત્રી શ્રી ઋષિકેશ પટેલ

સોશિયલ મીડિયા પર શેર કરો

ગાંધીનગર,

વિધાનસભાગૃહમાં વર્ષ 2025-26 ની કાયદા વિભાગ માટેની અંદાજપત્રની માંગણીઓ પરની ચર્ચાના પ્રત્યુતરમાં કાયદા મંત્રીશ્રી ઋષિકેશ પટેલે જણાવ્યું હતું કે, સમગ્ર દેશમાં ઉતરાખંડ બાદ સમાન સિવીલ કૉડ લાગુ કરનારૂ ગુજરાત રાજ્ય દેશનું બીજુ રાજ્ય બનશે. રાજ્યના તમામ લોકોને સમાન ન્યાય મળે અને એક ભારત શ્રેષ્ઠ ભારતની સંકલ્પના સાકાર કરવાની દિશામાં આ કદમ છે. 

મંત્રીશ્રીએ વધુમાં કહ્યુ કે, ન્યાયિક પ્રક્રીયાને વેગ મળે તે માટે રાજ્ય સરકાર દ્વારા રાજકોટ, સુરત તથા વડોદરા જિલ્લામથક ખાતે ત્રણ નવી આર્બીટ્રેશન ટ્રીબ્યુનલની જોગવાઇ કરી છે. રાજ્યમાં મ્યુનિસીપાલટીઝ અને પંચાયતના કેસોને પણ આર્બીટ્રેશન ટ્રીબ્યુનલ ખાતે ચલાવવાનો નિર્ણય કરાયો છે. 

મંત્રીશ્રીએ ઇ-કોર્ટ મિશન મોડ પ્રોજેકટ અંગે જણાવતા કહ્યું હતું કે, આ પ્રોજેક્ટ અંતર્ગત હાઈકોર્ટ અને તાબાની અદાલતો માટે ડિઝીટલાઇઝેશનની સુવિધાઓ ઉભી કરવા રૂ.૨૭.૮૪ કરોડની જોગવાઇ  કરાઈ છે.

ફાસ્ટ્રેક કોર્ટ વિશે વિગતો આપતા મંત્રીશ્રીએ જણાવ્યું હતું કે , છેલ્લા એક વર્ષમાં ડીસ્ટ્રીક્ટ જ્યુડીશીયરી દ્વારા કુલ ૧૮,૪૧,૦૧૬ કેસોનો નિકાલ કરાયો છે. 

ગુજરાતમાં દરેક પ્રકારના કાયદાઓ માટે વિવિધ કોર્ટો કાર્યરત કરી છે. હાઈકોર્ટના પરામર્શમાં મંજૂર કરીને વિવિધ જિલ્લાઓમાં અલગ અલગ કાયદા હેઠળની એટ્રોસીટી એક્ટ સહિતની કુલ ૫૯૫ સ્પેશિયલ કોર્ટની સ્થાપના કરવામાં આવી છે. 

ગુજરાત વિક્ટીમ કમ્પેન્સેશન સ્કીમ-૨૦૧૯ મુજબ  એટ્રોસીટી, એસિડ એટેક અને પોક્સો એક્ટ જેવા ગુનામાં ભોગ બનનારને  છેલ્લા ત્રણ વર્ષોમાં રૂ.૩૯ કરોડની ચુકવણી કરાઈ છે તેમ મંત્રીશ્રીએ કહ્યું હતું.

કાયદા મંત્રી શ્રી પટેલે કહ્યું કે, નાગરિકોને ઘર આંગણે ન્યાય મળી રહે તે માટે અમારી પ્રાથમિકતા છે. ન્યાયની કાર્યવાહીમાં જરૂરી ઈન્ફ્રાસ્ટ્રક્ચર પૂરું પાડવા અલગ અલગ જિલ્લા તથા તાલુકા ખાતે નવીન ૧૦ કોર્ટ બિલ્ડીંગ માટે રૂ. ૭૩.૭૦ કરોડની જોગવાઈ કરવામાં આવી છે. 

મંત્રીશ્રીએ કહ્યું હતું કે, રાજય સરકાર દ્વારા હાઇકોર્ટના પરામર્શમાં રાજયમાં અલગ અલગ જિલ્લાઓમાં એટ્રોસીટી એક્ટ અંતર્ગત એક્સક્લુઝિવ સ્પેશિયલ કોર્ટ ૧૬ અને ડેસિગ્નેટેડ સ્પેશિયલ કોર્ટ ૫૯ એમ કુલ ૭૫ કોર્ટોની સ્થાપના કરાઈ છે 

છેલ્લા એક વર્ષની અંદર ડીસ્ટ્રીક્ટ જ્યુડીશીયરી દ્વારા એટ્રોસીટી એક્ટ અંતર્ગત કુલ ૧૧૭૧ કેસોનો નિકાલ કરવામાં આવેલ છે.  

નામદાર હાઇકોર્ટ દ્વારા રાજ્ય સરકારની વિનંતીને આધારે તમામ ડિસ્ટ્રિક્ટ અદાલતો ને એટ્રોસીટી એક્ટના કેસો ઝડપથી ચલાવી અને નિકાલ કરવાની સૂચના તારીખ-૧૧/૦૨/૨૦૨૫ના રોજ આપવામાં આવી છે

વિધાનસભા ગૃહમાં કાયદા વિભાગની અંદાજપત્રીય માંગણીઓ પસાર કરવામાં આવી હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *