વોશિંગ્ટન,
અમેરિકાના બીજીવાર રાષ્ટ્રપતિ બન્યા બાદ ડોનાલ્ડ ટ્રમ્પે દ્વારા મોટા ફેરફારો કરવામાં આવ્યા છે જેની સીધી અસર અલગ અલગ દેશો પર થઈ છે ત્યારે હવે ટ્રમ્પે મંત્રીમંડળના સભ્યો અને અન્ય નજીકના સભ્યોને કહ્યું હતું કે, ‘કેબિનેટના સાથી ઈલોન મસ્ક સરકારમાં એટલે કે DOGEના પ્રમુખ પદેથી ટૂંક સમયમાં રાજીનામું આપી દેશે.’ ટ્રમ્પ વહિવટીતંત્રના આંતરીક સૂત્રોના જણાવ્યા મુજબ, ટ્રમ્પ મસ્કના કામકાજથી ખુશ છે અને તેમણે મસ્કે સરકારી કાર્યક્ષમતા વિભાગ (OGE)માં કરેલા પ્રયાસોના વખાણ કર્યા છે. જોકે બંનેએ નિર્ણય લીધો છે કે, હવે મસ્ક DOGEની જવાબદારી છોડીને પોતાનો બિઝનેસ સંભાળશે. જોકે મસ્ક ક્યારે રાજીનામું આપશે, તેની માહિતી સામે આવી નથી.
ટ્રમ્પે ટેસ્લા અને સ્પેસએક્સના CEO મસ્કને એક વિશેષ સરકારી કર્મચારીનો કાર્યભાર સોંપ્યો હતો અને તેમને સરકારી ફન્ડિંગમાં કપાત કરવાની તેમજ વિવિધ અમેરિકન એજન્સીઓ બંધ કરવાના પ્રયાસોનું નેતૃત્વ કરવાનું કામ સોંપ્યું હતું. સૂત્રો મુજબ, વ્હાઈટ હાઉસના પ્રતિનિધિઓ કે પછી મસ્કના આગેવાની હેઠળના ટાસ્ટ ફોર્સનો સભ્ય અથવા ખુદ મસ્કે રાજીનામા અંગે કોઈ જવાબ આપ્યો નથી.
જો કે, વ્હાઇટ હાઉસના નિયમાનુસાર, મસ્કનો કાર્યકાળ 20 મેના રોજ પૂર્ણ થાય છે. અમેરિકામાં કોંગ્રેસ દ્વારા 1962માં બનાવવામાં આવેલા નિયમાનુસાર, સ્પેશિયલ ગવર્નમેન્ટ એમ્પ્લોયીનો હોદ્દો, સમય મર્યાદા નિર્ધારિત છે. તેઓ 365 દિવસમાંથી મહત્તમ 130 દિવસ જ એક્ઝિક્યુટીવ શાખામાં કામ કરી શકે છે. તેઓ સરકારના સલાહકાર, એડવાઈઝરી બોર્ડ મેમ્બર તરીકે કામ કરે છે. તેમનો દરજ્જો તેમને ચોક્કસ નાણાકીય જાહેરાત આવશ્યકતાઓને અવગણવાની મંજૂરી આપે છે. આ સ્થાપિત નિયમ હોવા છતાં, વ્હાઇટ હાઉસના ડેપ્યુટી પ્રેસ સેક્રેટરી હેરિસન ફિલ્ડ્સે સ્પષ્ટતા કરી છે કે, મસ્કનો કાર્યકાળ જરૂરીયાત મુજબ 130 દિવસ સુધી મર્યાદિત રહેશે નહીં. રાષ્ટ્રપ્રમુખે ઈલોન મસ્કને ફેડરલ સરકારનો કચરો, છેતરપિંડી અને દુરુપયોગને દૂર કરવાનું કામ સોંપ્યું છે, આ મિશન જ્યાં સુધી પૂર્ણ નહીં થાય ત્યાં સુધી ચાલુ રહેશે.