ઇઝરાયલમાં જેરુસલેમના પશ્ચિમી ભાગોમાં ભીષણ આગ; રાષ્ટ્રીય કટોકટી જાહેર

સોશિયલ મીડિયા પર શેર કરો

જેરુસલેમ,

ઇઝરાયલમાં જેરુસલેમના પશ્ચિમી ભાગોમાં ભીષણ આગ લાગવાની ઘટના બની હતી, આ આગ એટલે બધી ભયંકર હતી કે આ આગને કારણે ઇઝરાયલમાં રાષ્ટ્રીય કટોકટી જાહેર કરી દેવાઈ છે અને સેના તહેનાત કરી દેવાઈ છે. કોઈ આતંકવાદી હુમલો થયો ન હતો, કે કોઈ ઉગ્રવાદી સંગઠન દ્વારા કોઈ કાર્યવાહી થઈ ન હતી, પરંતુ આગ એટલી ભયંકર હતી કે ઇઝરાયલને આંતરરાષ્ટ્રીય મદદ માંગવી પડી.

બુધવારે જ્યારે ઇઝરાયલમાં સ્વતંત્રતા દિવસ અને સ્મૃતિ દિવસની ઉજવણી કરવામાં આવી રહી હતી, ત્યારે જેરુસલેમની આસપાસના જંગલોમાં અચાનક ભીષણ આગ ફાટી નીકળી. આગ ઝડપથી ઘણા વિસ્તારોમાં ફેલાઈ ગઈ, જેના કારણે રસ્તાઓ બંધ થઈ ગયા અને છથી વધુ શહેરોને ખાલી કરાવવા પડ્યા. સૌથી મહત્ત્વની વાત એ રહી કે આગ તેલ અવીવ અને જેરુસલેમને જોડતા રૂટ 1 સુધી ફેલાઈ ગઈ, જેનાથી દેશના સૌથી મોટા હાઇવેને અસર થઈ. વડાપ્રધાન બેન્જામિન નેતન્યાહૂ રાષ્ટ્રીય સુરક્ષા મંત્રી ઇટામર બેન-ગ્વીર અને તમામ સુરક્ષા-બચાવ સેવાઓ સાથે આગ અંગે સતત અપડેટ્સ મેળવી રહ્યા છે.

આગ લાગવાના કારણે પરિસ્થિતિ એટલી વણસી ગઈ કે ઇઝરાયલના સંરક્ષણ મંત્રી ઇઝરાયલ કાત્ઝને બહાર આવીને કહેવું પડ્યું કે આપણે રાષ્ટ્રીય કટોકટીની સ્થિતિમાં છીએ, અને આપણે બધા સંસાધનો એકઠા કરીને આ કટોકટીનો સામનો કરવો પડશે. ઇઝરાયલના ફાયર એન્ડ રેસ્ક્યુ સર્વિસીસના અનુસાર, આગને કાબુમાં લેવા માટે 120 ફાયર બ્રિગેડ ટીમો અને 12 વિમાનો તૈનાત કરવામાં આવ્યા છે, પરંતુ ભારે પવન અને શુષ્ક હવામાનને કારણે આગ અને ધુમાડો ઝડપથી ફેલાઈ રહ્યો છે.

આ ઘટના ના સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહેલા વીડિયોમાં જોઈ શકાય છે કે લોકોને હાઇવે પર ધુમાડા વચ્ચે ચાલવાની ફરજ પડી રહી છે. અત્યાર સુધીમાં સાત લોકોને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે, જેમાંથી એકની હાલત મધ્યમ અને બાકીના લોકોની હાલત હળવી હોવાનું કહેવાય છે. રાહતની વાત છે કે અત્યાર સુધી કોઈએ પોતાનો જીવ ગુમાવ્યો નથી, પરંતુ પરિસ્થિતિને જોતાં, ખતરો હજુ પણ યથાવત છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *