આણંદ કૃષિ વિશ્વવિદ્યાલયના સહયોગથી રાજ્યના કૃષિ, ખેડૂત કલ્યાણ અને સહકાર વિભાગ દ્વારા પ્રાકૃતિક કૃષિ પરિસંવાદ યોજાયો

સોશિયલ મીડિયા પર શેર કરો

આણંદ,

રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજીએ જણાવ્યું હતું કે, ખેડૂતો પ્રાકૃતિક કૃષિ કરતાં એટલા માટે ડરે છે, કેમ કે તેમણે જૈવિક ખેતી કરી છે અને પ્રાકૃતિક કૃષિને જ જૈવિક ખેતી સમજે છે. ખેડૂતો સમજે છે કે, જે ખેતીમાં યુરિયા-ડીએપીનો ઉપયોગ ન થાય તે જૈવિક ખેતી. પરંતુ જૈવિક ખેતી અને પ્રાકૃતિક ખેતી તદ્દન અલગ છે. પ્રાકૃતિક કૃષિ શુદ્ધ સૂક્ષ્મ જીવાણુઓની ખેતી છે. જૈવિક ખેતીમાં વધુ ખર્ચે ઓછું ઉત્પાદન આવે છે, પરંતુ પ્રાકૃતિક કૃષિમાં નહીવત ખર્ચે વધુ સારૂં આરોગ્યપ્રદ ઉત્પાદન મળે છે. 

આણંદ કૃષિ વિશ્વવિદ્યાલયના સહયોગથી રાજ્યના કૃષિ, ખેડૂત કલ્યાણ અને સહકાર વિભાગ દ્વારા યોજાયેલા પ્રાકૃતિક કૃષિ પરિસંવાદમાં રાજયપાલ શ્રી આચાર્ય દેવવ્રતજીએ ઉપસ્થિત રહી અમદાવાદ, આણંદ, ખેડા, ગાંધીનગર અને બોટાદ સહિત પાંચ જિલ્લાના ગ્રામસેવક, વિસ્તરણ અધિકારી, આત્મા અને બાગાયત વિભાગના અધિકારીઓ, કૃષિ સખીઓ, પ્રગતિશીલ ખેડૂતો અને કોમ્યુનિટી રિસોર્સ પર્સન સાથે સંવાદ કર્યો હતો.

આ પ્રસંગે રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજીએ હરિત ક્રાંતિના જનક ડૉ.સ્વામીનાથનને યાદ કરતાં જણાવ્યું હતું કે, હરિત ક્રાંતિના સમયમાં ડૉ.સ્વામિનાથને ખેત ઉત્પાદન વધારવા માટે એક હેક્ટર જમીનમાં ૧૩ કિ.ગ્રા. નાઈટ્રોજન નાંખવાની ભલામણ કરી હતી. જ્યારે, અત્યારે ૧ એકરમાં ૧૩ થેલી જેટલું નાઈટ્રોજન નાંખવામાં આવી રહ્યું છે, જેના પરિણામે જમીનનો ઓર્ગેનિક કાર્બન ઘટ્યો છે, અને જમીન બિન ઉપજાઉ બનતી જાય છે. જમીનને ફરી ઉપજાઉ બનાવવાનો એકમાત્ર ઉપાય પ્રાકૃતિક કૃષિ જ છે. પ્રાકૃતિક ખેતી થકી જમીનમાં ઓર્ગેનિક કાર્બનની માત્રા વધે છે. જેના કારણે જમીનની ફળદ્રુપતામાં વધારો થવાથી ખેત ઉત્પાદન પણ વધુ આવે છે.

પ્રાકૃતિક ખેતી કરવાથી ઉત્પાદન ઓછું આવે છે તે બાબતને નકારતાં રાજ્યપાલશ્રીએ કહ્યું કે, દાંતીવાડા, આણંદ અને જુનાગઢ કૃષિ વિશ્વવિદ્યાલયના ત્રણ વર્ષના સંશોધન બાદ પ્રસ્થાપિત થયું છે કે, પાંચ આયામો સાથે પુરી પ્રમાણિકતાથી પ્રાકૃતિક કૃષિ અપનાવવામાં આવે તો પ્રથમ વર્ષથી જ રાસાયણિક ખેતી જેટલું જ ઉત્પાદન મળે છે. 

આપણે જે પ્રાકૃતિક કૃષિનું કાર્ય હાથમાં લીધું છે તેને બોજરૂપ ના સમજીએ. આપણને લોકોને જીવન આપવાનો, પર્યાવરણ, જળ, ગૌમાતા અને લોકોનું સ્વાસ્થ્ય બચાવવાનો અવસર મળ્યો છે, આ માટે આપણે સૌ સૌભાગ્યશાળી છીએ. જે કામ મળ્યું છે તેને પરમ કર્તવ્ય સમજીને કરીશું. આ જ સૌથી મોટું ઈશ્વરીય કાર્ય છે.

તેમણે જણાવ્યું હતુ કે, પ્રાકૃતિક કૃષિનું આ અભિયાન એ કોઈ એક વ્યક્તિનું નથી, આ અભિયાન એ સમગ્ર રાષ્ટ્રનું છે.  પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીએ પ્રાકૃતિક કૃષિને રાષ્ટ્રીય મિશન બનાવ્યું છે, આ મિશન હવે સરકારનું મિશન બની ગયું છે ત્યારે આપણી જવાબદારી વધવાની છે. આપણે ટ્રેનર બની બીજા રાજ્યમાં પણ ટ્રેનિંગ આપવાની છે. જેના માટે આપણે સશક્ત થવું જરૂરી છે. જે શિક્ષક પોતાના વિષયનું જ્ઞાન ધરાવતો ના હોય તેણે અન્ય સામે અપમાનિત થવું પડે છે. માટે, શિક્ષકે હંમેશાં પોતાના વિષયમાં સમર્થ થઈને પુરી ઈમાનદારીથી વિદ્યા આપવી પડશે.

રાજયપાલશ્રીએ પ્રાકૃતિક કૃષિના અભિયાનને જેમણે મિશનરૂપે અપનાવ્યું છે તે તમામ લોકોને અભિનંદન પાઠવતાં જણાવ્યું હતુ કે, લોકોને પ્રાકૃતિક કૃષિથી ઉત્પન્ન અન્ન દ્વારા જીવન આપવાનું આપ સહુને સદ્દભાગ્ય પ્રાપ્ત થયું છે. આપ સૌ પરમ સૌભાગ્યશાળી છો કે તમે જીવનદાતા છો, લોકોના સ્વાસ્થ્યના પ્રદાતા છો. તેમ જણાવી તેમણે ઉપસ્થિત સર્વેને માનવ જીવનની સાથે પ્રકૃતિ-પર્યાવરણને બચાવવા માટેના યોધ્ધા બની પ્રાકૃતિક કૃષિને જન જન સુધી પહોંચાડવા અનુરોધ કર્યો હતો.  

તેમણે કર્મના સિધ્ધાંતને વર્ણવી પ્રાકૃતિક કૃષિના કાર્યને ભારણરૂપ ના સમજતાં તેને ઈશ્વરીય કાર્ય માનીને ખેડૂતોને ઝેરવાળી ખેતી છોડાવીને પ્રાકૃતિક ખેતી તરફ વાળવા અપીલ કરતાં વધુમાં ઉમેર્યું હતું કે, આ ખેતી કરવાથી આપણે જે ધરતી માતા પર જન્મ લીધો, જેની હવા શ્વાસમાં લઈએ છીએ, પાણી પીએ છીએ, જેના થકી આપણે જીવીએ છીએ અને જેના ના હોવાથી આપણું કોઈ જ અસ્તિત્વ નથી, તેને બચાવવાનો નૈતિક ભાવ આપણામાં હોવો જોઈએ

આ વેળાએ આણંદ કૃષિ વિશ્વવિદ્યાલયના કુલપતિ શ્રી ડૉ. કે.બી.કથીરીયાએ જંતુઓનો નાશ થાય તથા ખેતીને નુકશાન ન થાય તેવી રીતે સંશોધન આધારિત દવા ટૂંક સમયમાં યુનિવર્સિટી દ્વારા ઉપલબ્ધ કરવામાં આવશે તેવી આશા વ્યક્ત કરીને આણંદ કૃષિ યુનિવર્સિટી પ્રાકૃતિક કૃષિ ક્ષેત્રે થઈ રહેલા કાર્યોની ઝાંખી આપી હતી.

આ પ્રસંગે કૃષિ નિયામકશ્રી પી.એસ.રબારીએ સ્વાગત પ્રવચનમાં પ્રાકૃતિક કૃષિ પરિસંવાદનો હેતુ સમજાવ્યો હતો. અમદાવાદ ઝોનના સયુંકત ખેતી નિયામક એન.એમ.શુક્લએ આભારવિધિ કરી હતી.

આ પરિસંવાદમાં જિલ્લા કલેકટર શ્રી પ્રવીણ ચૌધરી, જિલ્લા વિકાસ અધિકારી શ્રી દેવાહુતી, જિલ્લા પોલીસ અધિક્ષક શ્રી ગૌરવ જસાણી સહિત જિલ્લાના અધિકારીઓ, કૃષિ, બાગાયત વિભાગ અને આણંદ કૃષિ યુનિવર્સિટીના અધિકારી-કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *