ઇસ્લામાબાદ,
પહલગામમાં આતંકી હુમલા બાદ ભારત સાથે ચાલી રહેલા તણાવ વચ્ચે, મીડિયા સૂત્રો દ્વારા મળતી માહિતી મુજબ, પાકિસ્તાની સરકાર, સેના દ્વારા પોષાયેલા આતંકવાદીઓમાં ભયનું વાતાવરણ છે. ISI અને પાકિસ્તાન સરકારે લશ્કર-એ-તૈયબા અને જમાત-ઉદ-દાવાના વડા હાફિઝ સઈદ માટે સુરક્ષા વ્યવસથોમાં વધારો કરી દીધો છે. આતંકી વડાની સુરક્ષા ટીમમાં ભૂતપૂર્વ સ્પેશિયલ સર્વિસ ગ્રુપ (SSG) કમાન્ડોને ઉમેરવામાં આવ્યા હોવાના અહેવાલ છે, અને તેમના નિવાસસ્થાનો પર વધારાના કર્મચારીઓ તૈનાત કરવામાં આવ્યા છે, જેમાં લાહોરના મોહલ્લા જોહર સ્થિત એક નિવાસસ્થાનનો પણ સમાવેશ થાય છે.
આ મામલે સૂત્રો દ્વારા મળતી માહિતી મુજબ આતંકી હાફિઝ સઈદના વાહનની સામે મોટી સંખ્યામાં સશસ્ત્ર જવાનો તૈનાત છે. જેમ તેઓ કોઈ VVIP ના કાફલામાં તૈનાત હોય છે. લશ્કર ચીફની સુરક્ષા માટે પણ પાકિસ્તાની સેનાના જવાનો તૈનાત છે. હાફિઝની સુરક્ષા માટે ઘણા થ્રી-સ્ટાર અધિકારીઓ પણ તૈનાત છે, જે વોકી-ટોકીથી સજ્જ છે જેથી આગળના રૂટની માહિતી પણ આપી શકાય.
આતંકી વડા હાફિઝ સઈદને 7 ટેરર ફંડિંગ કેસમાં 46 વર્ષની સજા ફટકારવામાં આવી છે. તેને જેલને બદલે સેફ હાઉસમાં રાખવામાં આવ્યો છે. હાફિઝ સઈદના ઘરને કામચલાઉ જેલ બનાવવામાં આવ્યું છે. એટલું જ નહીં, હાફિઝના ઘરની અંદર એક કંટ્રોલ રૂમ પણ બનાવવામાં આવ્યો છે. બે વર્ષમાં, હાફિઝ ઘણી વખત જાહેર પ્લેટફોર્મ પર ભારત વિરુદ્ધ ઝેર ઓકતો જોવા મળ્યો છે. હાફિઝ છેલ્લે આ વર્ષે 4 એપ્રિલે જોવા મળ્યો હતો. હાફિઝ પીઓકેમાં આતંકવાદી શિબિરોમાં પણ જોવા મળ્યો છે. હાફિઝ રાવલકોટના બહાવલપુરમાં આતંકવાદી લોન્ચિંગ પેડમાં ઘણી વખત જોવા મળ્યો છે.