અમેરિકામાં ટેક કંપનીના CEO એ પત્ની-પુત્રને ગોળી મારીને પોતે મોત વ્હાલું કર્યું

સોશિયલ મીડિયા પર શેર કરો

વોશિંગ્ટન,

અમેરિકાના વોશિંગ્ટનના ન્યુકૈસલમાં 24, એપ્રિલના રોજ ભારતીય ટેક સાહસિકે પોતાની પત્ની અને પુત્રને ગોળી મારીને હત્યા કરી દીધી હતી. ત્યાર બાદ તેણે પોતે ગળાફાંસો ખાઈ આપઘાત કરી લીધો હતો. પોલીસના જણાવ્યાનુસાર, આ ઘટના વોશિંગ્ટનના ન્યૂકેસલ વિસ્તારમાં બની હતી. એવું કહેવામાં આવી રહ્યું છે કે આ દંપતીનો બીજો એક પુત્ર પણ છે, જે ઘટના સમયે ઘરે નહોતો. 

આ સમગ્ર મામલે મીડિયા સૂત્રો દ્વારા મળતી માહિતી મુજબ, મૃતકોની ઓળખ 57 વર્ષીય હર્ષવર્ધન એસ કિક્કેરી, તેમની 44 વર્ષીય પત્ની શ્વેતા પન્યામ અને તેમના 14 વર્ષના પુત્ર તરીકે થઈ છે. જ્યારે પોલીસ ઘરમાંથી એક બાળકને પોતાની સાથે લઈ ગઈ છે. આ ઘટના પછી બાળક ખૂબ જ ડરી ગયો હતો. જો કે, કિંગ કાઉન્ટી શેરિફ ઓફિસ દ્વારા બાળકની ઓળખ જાહેર કરવામાં આવી નથી.

ટેક કંપનીના સીઈઓએ આ પગલું કેમ ભર્યું તે હજુ સુધી સ્પષ્ટ નથી. પોલીસે દાવો કર્યો છે કે આ કેસ ઉકેલાઈ જશે. હાલમાં તપાસ ચાલી રહી છે. પડોશીઓએ પોલીસને જાણ કરી છે કે પરિવાર ખૂબ જ મૈત્રીપૂર્ણ હતો. હર્ષવર્ધન મૂળ કર્ણાટકના માંડ્યા જિલ્લાના રહેવાસી હતા. એવું કહેવામાં આવી રહ્યું છે કે હર્ષવર્ધન રોબોટિક્સમાં નિષ્ણાત હતા, જેમણે અમેરિકામાં માઇક્રોસોફ્ટ માટે પણ કામ કર્યું હતું.

દંપતીએ વર્ષ 2017 માં ભારતમાં આવીને હોલોવર્લ્ડ નામની કંપનીના સ્થાપના કરી હતી. જે રોબોટિક્સ ક્ષેત્રે કામ કરતી હતી. પરંતુ કોરોના મહામારી દરમિયાન વર્ષ 2022 માં કંપની બંધ કરી દેવી પડી હતી. જે બાદ દંપતી અમેરિકા પરત ફર્યું હતું.

હાલ આ મામલે સ્થાનિક પોલીસ દ્વારા ઝીણવટભરી તપાસ હાથ ધરવામાં આવી રહી છે. અને ટુંક સમયમાં આ મામલાના મૂળ સુધી પહોંચવાનો આશાવાદ તપાસઅધિકારી દ્વારા વ્યક્ત કરવામાં આવ્યો છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *