વોશિંગ્ટન,
અમેરિકામાં અભ્યાસ કરતા વિવિધ દેશોના હજારો વિદ્યાર્થીઓને તેમના F-1 વિઝા અચાનક રદ થયાના ઈમેલ મળ્યા બાદ તેઓ ગભરાટમાં છે. આ ઈમેલ અમેરિકાના વિદેશ વિભાગ (DOS) તરફથી મોકલવામાં આવ્યો છે. જેમાં વિદ્યાર્થીઓને તેમના F-1 સ્ટૂડેન્ટ વિઝા રદ થયા હોવાની જાણકારી આપવામાં આવી અને ત્યારબાદ તેમને જાતે અમેરિકા મૂકીને જતા રહેવાનો નિર્દેશ કરવામાં આવ્યો છે. એટલે કે, આદેશ છે કે, જો આ વિદ્યાર્થીઓ અમેરિકા છોડીને તાત્કાલિક પોતાના દેશ નહીં જાય તો તેમને પકડીને તેમની સામે કાયદાકીય કાર્યવાહી કરવાની સાથે કોઈ અન્ય દેશમાં પણ ડિપોર્ટ કરવામાં આવી શકે છે.
યુએસ તરફથી આ વલણ વિદેશ મંત્રી માર્કો રુબિયોનીની જાહેરાત બાદ શરૂ થયુ છે, જેમાં તેમણે કહ્યું હતું કે ‘રાષ્ટ્ર વિરોધી’ ગતિવિધિઓમાં પકડાયેલા ઘણા વિદ્યાર્થીઓના વિઝા રદ કરવામાં આવશે. ગુયાનામાં ગુરુવારે એક પ્રેસ કોન્ફરન્સમાં રૂબિયોએ કોઈનું નામ લીધા વિના કહ્યું કે, લગભગ 300 થી વધુ વિઝા રદ્દ થઈ ગયા છે. અમે દરરોજ આ કરીએ છીએ. જ્યારે પણ અમને આવા પાગલ મળે છે, અમે તેના વિઝા છીનવી લઈએ છીએ. દરેક દેશને તે નક્કી કરવાનો અધિકાર છે કે તેના મહેમાન તરીકે કોણ આવશે અને કોણ નહીં.
યુ.એસ. પરત ફરતા તેમના વિમાનમાં, રૂબિયોએ ખુલાસો કર્યો કે 300 રદ કરાયેલા વિઝામાં વિદ્યાર્થી અને મુલાકાતી વિઝાનો સમાવેશ થાય છે. તેણે કહ્યું, ‘હું અંગત રીતે દરેક નિયમ પર સાઈન છું. આશા છે કે એક દિવસ આ ગાંડપણનો અંત આવશે.
આ ઈમેલમાં કહેવાયું કે, ‘જો તમે ભવિષ્યમાં યુનાઇટેડ સ્ટેટ્સની મુસાફરી કરવાનો ઇરાદો ધરાવો છો, તો તમારે બીજા યુએસ વિઝા માટે અરજી કરવાની રહેશે અને તે સમયે તમારી પાત્રતા અંગે નિર્ણય લેવામાં આવશે. આ ઈમેલમાં વિદ્યાર્થીઓને ટ્રમ્પ સરકાર દ્વારા શરૂ કરવામાં આવેલી CBP હોમ એપનો ઉપયોગ કરવાનો નિર્દેશ કરવામાં આવ્યો છે. જેથી તેમને અમેરિકાથી પરત જવામાં મદદ મળી શકે. આદેશમાં વિદ્યાર્થીઓને રદ કરવામાં આવેલા વિઝાના ઉપયોગ કરવાનો પ્રયાસ ન કરવા પણ ચેતાવણી આપવામાં આવી છે. આ સાથે જ એ વાત પર ભાર મૂકવામાં આવ્યો કે, પ્રસ્થાન કરતાં સમયે અમેરિકન દૂતાવાસ અથવા કોન્સ્યુલેટમાં તેમના પાસપોર્ટ રજૂ કરવાના રહેશે.