અમારી વિશે

અખબારરૂપી  દરિયામાં “સાબરમતી સવેરા”નું નાવડી સાથે પદાર્પણ….!

સાબરમતી એટલે રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીની કર્મભૂમિ.સાબરમતી નામ કાને પડે એટલે સૌથી પહેલાં ગાંધી આશ્રમ આપણી નજર સમક્ષ આવે.પણ હવે સાબરમતી નામ  કાને પડશે ત્યારે તેની સાથે સાથે સાબરમતી સવેરા નામના નાનકડા સાપ્તાહિક અખબારનું નામ પણ પણ યાદ આવી શકે.

આજના ઇન્ટરનેટના યુગમાં જ્યારે દુનિયાના કોઇપણ ખૂણે બનતી ઘટના, બનાવની જાણ ગણતરીની સેકંડમાં બીજા ખૂણે  પહોંચી જતી હોય એવા આંગળીના ટેરવે ચાલતી-મહાલતી દુનિયામાં પ્રિન્ટ અખબારનું શું મહત્વ…? એવો કોઇ સવાલ ચોક્કસ કરી શકે છે. અને સવાલ થવો જ જોઇએ. કેમ કે સવાલ કરાશે તો જવાબ અપાશે કે મળશે. 

સાબરમતી સવેરા સાપ્તાહિક અખબારના પ્રવેશ માટેનો જવાબ એ છે કે ભલે આજે ઇન્ટરનેટથી દુનિયા ચાલે છે પણ આવનારા 50 વર્ષ સુધી પ્રિન્ટ અખબારનું મહત્વ રહેવાનું છે. કેમ કે લોકશાહીમાં લોકોને ટીવી ચેનલો- ડિજીટલ કરતાં મુદ્રિત અખબાર પર વધારે વિશ્વાસ છે. દર્પણ જુઠ ના બોલે…ની જેમ સાબરમતી સવેરા અખબાર વાંચકો પ્રત્યે પ્રતિબધ્ધ અને કટિબધ્ધ રહેશે. કેમ કે એક અખબાર માટે તેનો ધર્મ વાચક પ્રત્યે વફાદાર રહેવાનું છે. વાચક છે તો અખબાર છે. અલબત આજના સમયમાં હવે આર્થિક બાબતને જોતા વાચકની સાથે વિજ્ઞાપનદાતાનું પણ મહત્વ ઉમેરાયું છે. અને તેનો કોઇ ઇન્કાર કરી શકે તેમ નથી.

પ્રિન્ટ માધ્યમ એક વિશાળ દરિયો છે અને સાબરમતી સવેરા પણ પોતાની નાનકડી ઢબુડી સમાન નાવડી લઇને વૈતરણીને પાર કરવા દરિયામાં સવાર થયું છે. એક અખબારમાં વાચકોને જે જોઇએ છે તે કરતાં સમાજના હિતમા, દેશના હિતમાં વાચકને શું જરૂર છે, શું આપવુ જોઇએ તેના પર ધ્યાન કેન્દ્રિત કરીને અમે સાબરમતી સવેરા દર સોમવારે અમારા સુજ્ઞ વાચકોના હાથમાં પહોંચે એવા અમારા પ્રાયાસમાં અમે નિષ્ઠા દાખવીશું.

સાબરમતી સવેરા અખબારમાં બાપૂની ભૂમિ સાબરમતી વિસ્તારના લોકોની દિન-પ્રતિદિનના પ્રશ્નો-સમસ્યાઓની સાથે  ગુજરાત, દેશ-પરદેશ, સહિત તમામ સમાચારોને આવરી લઇને અમારા વાચકોની સમક્ષ રસથાળ રજૂ કરવાનો અમારો નમ્ર પ્રયાસ છે. આબાલવૃધ્ધ સહિત મહિલાઓ સંબંધિત સમાચારો સાબરમતી સવેરા આપશે. અમારો એક નમ્ર પ્રાયસ છે અને એક ડગ માંડ્યું છે.

કહેવાય છે ને કે હિમાલય કે માઉન્ટ એવરેસ્ટ જીતવા માટે એક ડગ જ કાફી છે. એક ડગ માંડો અને તમે એવરેસ્ટ સર કરનાર વિજેતા બની જાવ એવી સ્થિતિમાં મૌસમ ખરાબ થઇ ગયું, તેજ બરફની આંધી ચાલી અને એ ડગ જ આગળ ન મંડાય અને પરત આવવુ પડે તો કેવુ લાગે..? 

એમ અમારો આ પહેલું ડગલું છે. અખબારોની દુનિયામાં અમે પા પા પગલી માંડીને અમારા વાચકોની સમક્ષ જઇ રહ્યાં છે ત્યારે અમને આશા છે કે અમને વાચકોની સાથે અમારા શુભેચ્છકો, વિજ્ઞાપનદાતાઓ સહિત સૌ હિત ધરાવનારાઓનો સંપૂર્ણ સાથ સહકાર મળશે. 

રાત ગમે તેટલી અંધકારમય હોય, ભયાનક હોય પણ સવેરા કે સવાર તો થવાની જ છે…એમ  સાબરમતી સવેરા પણ આ તકે ખાતરી આપે છે કે ગમે તેવા વિઘ્નો આવે…આંધી કે તુફાનમાં પણ સાબરમતી સવેરાનો દિવડો ટમટમતો રાખવામાં અમે હરસંભવ પ્રયાસ કરીશું. કેમ કે અમે મિશન સાથે નિકળ્યા છે અને એ મિશન છે- વાચકો પ્રત્યેની વચનબધ્ધતા…! મારો સુજ્ઞ વાચક મારો માર્ગદર્શક..!

આપણું સોશિયલ મીડિયા